મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં આવેલ આભાપુરી ધામમાં એક ગરબા પ્રોગ્રામ દરમિયાન કિરણ રાયકવાર નામના મહિલાએ કંઈક એવું કર્યું જેણે આખી ફેમિલીની લાઈફ બદલી નાખી. ઉત્સવના માહોલમાં કિરણબેને તેમના 6 વર્ષના પૌત્ર વેદાંશના નામે માત્ર 200 રૂપિયાની એક લોટરી કુપન ખરીદી હતી. જ્યારે આ કુપન લીધી ત્યારે પરિવારને જરાય અંદાજ નહોતો કે આ નાનકડો કાગળનો ટુકડો તેમની કિસ્મત ચમકાવી દેશે. સામાન્ય રીતે આવા ફેસ્ટિવલ ઇવેન્ટ્સમાં લોકો મજા માટે કે પછી સામાન્ય શોખ ખાતર કુપન ખરીદતા હોય છે, પરંતુ આ કેસમાં કિસ્મતે કંઈક અલગ જ ખેલ ખેલ્યો હતો.
આ લકી ડ્રોમાં જ્યારે વેદાંશનું નામ વિજેતા તરીકે જાહેર થયું ત્યારે પરિવારના આનંદનો કોઈ પાર ન રહ્યો અને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. વેદાંશના નામે નીકળેલી આ કુપનને કારણે પરિવારને સીધી બ્રાન્ડ ન્યૂ ટોયોટા ફોર્ચ્યુનર એસયુવી કાર ઇનામમાં મળી, જેની માર્કેટ વેલ્યુ આશરે 50 લાખ રૂપિયા જેટલી છે. ખાસ વાત એ છે કે કિરણબેનના પતિ અને તેમના પુત્ર બંનેનું લાંબા સમયથી એક જ સપનું હતું કે તેમની પાસે પણ આ પ્રીમિયમ કાર હોવી જોઈએ. મધ્યમ વર્ગીય પરિવાર માટે આટલી મોટી ગાડી ખરીદવી મોટું લક્ષ્ય હોય છે, પરંતુ દાદીની એક નાનકડી કોશિશે બે પેઢીનું આ મોટું સપનું સાકાર કરી દીધું.
જોકે, આ લકી ડ્રો 2025માં યોજાયો હતો પરંતુ તમામ સરકારી અને ઔપચારિક પ્રક્રિયાઓ બાદ આ શાનદાર કારની ડિલિવરી પરિવારને 2026માં મળી હતી. ગાડી હાથમાં આવ્યા બાદ પરિવારની ખુશીનો કોઈ ઠેકાણો નહોતો અને આખી ઘટના કોઈ ફિલ્મી કહાની જેવી લાગે છે. માત્ર 200 રૂપિયાના રોકાણથી શરૂ થયેલી આ સફર આજે એક અવિસ્મરણીય સંભારણું બની ગઈ છે, જેને આ પરિવાર હંમેશા યાદ રાખશે. ભલે લકી ડ્રો નસીબ અને સંયોગની વાત હોય, પરંતુ આ કિસ્સાએ સાબિત કરી દીધું કે ક્યારેક નાની એવી ક્ષણ પણ જીવનને પૂરી રીતે બદલી શકે છે.
