JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

સુરતમાં ગંદા પાણીના પ્રશ્ને રાજકારણ ગરમાયું, ભાજપ કોર્પોરેટરે અલનીનોને ગણાવ્યું જવાબદાર

Oct 28, 2026 | 15:20 | By JAMNAGAR MIRROR
સુરતમાં ગંદા પાણીના પ્રશ્ને રાજકારણ ગરમાયું, ભાજપ કોર્પોરેટરે અલનીનોને ગણાવ્યું જવાબદાર
સુરતના અડાજણ અને રાંદેર સહિતના વિસ્તારોમાં પીળા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાથી હાહાકાર મચી ગયો છે. ભાજપ કોર્પોરેટર ઉર્વશી પટેલે આ માટે અલનીનોની અસરને જવાબદાર ગણાવી છે, જ્યારે સ્થાનિક લોકો તંત્રની નિષ્કાળજી સામે રોષ ઠાલવી રહ્યા છે.

સુરત શહેરના અડાજણ, રાંદેર અને અઠવા સહિતના વિસ્તારોમાં છેલ્લા 20 દિવસથી પીળા અને ગટર જેવા દુર્ગંધયુક્ત પાણીની સપ્લાય થઈ રહી છે, જેના કારણે નાગરિકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આ ગંદા પાણીના પ્રશ્ને હવે રાજકારણ પણ ગરમાયું છે અને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અડાજણ વોર્ડ નંબર 10નાં ભાજપ કોર્પોરેટર ઉર્વશી પટેલે આ સમસ્યા પાછળ કોઈ માનવસર્જિત કે પદાધિકારીઓની ભૂલ હોવાનો ઇનકાર કરતા વૈશ્વિક પરિબળ અલનીનોની અસરને જવાબદાર ઠેરવી છે. તેમના મતે અલનીનોના કારણે તાપી નદીમાં પાણીનું સ્તર ઘટતાં માટી પાણીના સ્ટોરેજમાં ભળી રહી છે અને જો તાપીમાં 11,000 ક્યુસેક પાણી છોડવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

કોર્પોરેટરના આ દાવા સામે સ્થાનિક રહીશો અને નિષ્ણાતોએ મોટા સવાલો ઉઠાવ્યા છે કે હજુ એક મહિના પહેલા જ તાપીનો કોઝવે ઓવરફ્લો થયો હતો તો આટલા ટૂંકાગાળામાં પાણી તળિયાઝાટક કેવી રીતે થઈ શકે. વળી, સુરત મનપા દ્વારા તાપીનું પાણી શુદ્ધ કરીને મોકલવામાં આવતું હોવા છતાં આવું ગંદુ પાણી કેમ આવે છે તે એક મોટો પ્રશ્ન છે. નાગરિકોના જણાવ્યા મુજબ આ પાણી પીવાલાયક તો નથી જ, પરંતુ તેના ઉપયોગથી ઝાડા-ઊલટી જેવા રોગો વકરવાની પૂરી ભીતિ છે. તંત્ર દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ પાણી ગરમ કરવા છતાં તેની પીળાશ અને કીટાણુઓ દૂર થતા નથી. રહેવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટણી વખતે મત માંગવા આવતા નેતાઓ કે કોર્પોરેટર અત્યારે મુલાકાતે પણ આવતા નથી.

આ સમગ્ર મામલે મનપાના શાસક પક્ષના નેતાએ દાવો કર્યો છે કે શુદ્ધ પાણી લોકોનો હક છે અને આ અંગે મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવતા તેમણે તાત્કાલિક એક્શન લીધા છે અને ઉપરથી પાણી પણ છોડાવવામાં આવ્યું છે, જેનાથી ઘણા વિસ્તારોમાં પાણીની ગુણવત્તા સુધરી હોવાના મેસેજ પણ મળ્યા છે. આમ છતાં, અલનીનોના દાવા અને વાસ્તવિકતા વચ્ચેના આ ભેદ વચ્ચે મનપાની વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમની કાર્યક્ષમતા સામે સવાલો ઊભા થયા છે, ત્યારે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તંત્ર દ્વારા કાયમી અને સચોટ પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે.

LATEST ARTICLES