ગુજરાતમાં હાલ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને લોકોને સવારે સહેજ ઠંડી તથા દિવસ દરમિયાન આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ તરફ ત્રાટકેલા અર્નબ વાવાઝોડાની સીધી કોઈ અસર ગુજરાત પર નહીં થાય, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતાને કારણે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આ બદલાતા મૌસમી મિજાજને લીધે આગામી સમયમાં તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રી સુધીની વધઘટ જોવા મળી શકે છે, જેને લઈને ખેડૂતો અને નાગરિકોની ચિંતા વધી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. પ્રદિપ શર્મા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આગામી 29 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 30 ઓક્ટોબરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, અમરેલી અને ભાવનગરમાં અને 31 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તાપમાનની વાત કરીએ તો, ગઈકાલે કચ્છના નલિયામાં સૌથી નીચું 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 39.3 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી રહી હતી. આ ઉપરાંત અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.4 ડિગ્રી નોંધાયું હતું, સાથે જ ભુજમાં 38, સુરતમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.3, ગાંધીનગરમાં 36.5, વડોદરામાં 36.2 અને ભાવનગરમાં 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી 31 ઓક્ટોબર બાદ રાજ્યમાં, ખાસ કરીને અમદાવાદ સહિતના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો તબક્કાવાર નીચે જવાની અને ઠંડીનો ચમકારો વધવાની પૂરી શક્યતા છે. હાલ અનેક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પણ છવાઈ રહી છે, જેના કારણે સવારના સમયે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલની આ ડબલ ઋતુ અને કમોસમી વરસાદની આગાહી વચ્ચે લોકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી બન્યું છે.
