મૂળ ભારતીય અને હાલમાં અમેરિકન પાસપોર્ટ ધરાવતા એક જાણીતા સિંગરનો મોટો વિવાદ સામે આવ્યો છે, જેણે વર્ષ 2022માં અમેરિકાનું સિટિઝનશિપ મેળવ્યા બાદ પણ ભારત આવતી વખતે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. નિયમ મુજબ કોઈપણ વિદેશી નાગરિક ભારતમાં આવે ત્યારે હોટલ કે રોકાણના સ્થળે ફોર્મ સી ભરવું ફરજિયાત હોય છે, પરંતુ આ સિંગરે વર્ષ 2022થી લઈને અત્યાર સુધીની પોતાની કોઈપણ ભારત મુલાકાતમાં આ ફોર્મ ભર્યું જ નહોતું. તાજેતરમાં તેઓ બિઝનેસ વિઝા પર મુંબઈ થઈને ભારત આવ્યા હતા અને દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોમાં તેમના પરફોર્મન્સ નક્કી હતા. આ દરમિયાન જ્યારે તેઓ આગ્રા પહોંચ્યા ત્યારે આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.
ઘટનાની વિગતો મુજબ આ સિંગર સોમવાર, 26 ઓક્ટોબરના રોજ સાંજે 4થી 6 વાગ્યાની વચ્ચે આગ્રાની એક પોશ હોટલમાં ચેક-ઇન થયા હતા. શરૂઆતમાં તેમણે હોટલ સ્ટાફને કોઈ ઓળખપત્ર ન આપતા હોટલના કર્મચારીઓને શંકા ગઈ હતી અને તેમણે તાત્કાલિક FRRO અધિકારીઓને જાણ કરી હતી. આ લગભગ 3 કલાક પછી તેમનું આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. FRRO ની કડક પૂછપરછ અને ફોલોઅપ બાદ મંગળવાર મધ્યરાત્રિ પછી ફોર્મ સી સબમિટ કરવામાં આવ્યું હતું, જો કે ત્યાં સુધીમાં તો સિંગર હોટલમાંથી ચેક-આઉટ પણ કરી ચૂક્યા હતા. તપાસમાં એ વાત પણ સામે આવી કે આ સિંગરે જે આધાર કાર્ડ રજૂ કર્યું હતું, તે તેમણે ભારતીય નાગરિક હતા ત્યારે મેળવ્યું હતું. UIDAI ના નિયમો અનુસાર નાગરિકતા બદલાયા પછી આધાર સરન્ડર કરવાનો કોઈ નિયમ ન હોવાથી, આ સિંગર વિદેશી હોવા છતાં આધારનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા.
આ ગેરરીતિનો સૌથી મોટો ખુલાસો એ થયો કે આગ્રામાં આ સિંગરે ભારતીય નાગરિકતાના સમયનું જૂનું આધાર કાર્ડ બતાવીને ASI ના સુરક્ષિત મોન્યુમેન્ટની મુલાકાત લીધી હતી. ભારતમાં વિદેશી ટૂરિસ્ટ્સ માટે મોન્યુમેન્ટની એન્ટ્રી ફી 1100 રૂપિયા છે, જ્યારે ડોમેસ્ટિક ટૂરિસ્ટ્સ માટે આ ફી માત્ર 50 રૂપિયા જ છે. આધાર કાર્ડનો દુરુપયોગ કરીને આ સિંગરે વિદેશી નાગરિકોએ ભરવાની થતી ઊંચી ફી ચૂકવવાથી બચીને છેતરપિંડી આચરી હતી. બ્યુરો ઓફ ઇમિગ્રેશનના નોટિસ અનુસાર, કોઈપણ હોટલ કે આવાસ પ્રદાતાએ વિદેશી મહેમાનના ચેક-ઇન અને ચેક-આઉટના 24 કલાકની અંદર ઇલેક્ટ્રોનિકલી ફોર્મ III એટલે કે ફોર્મ સી ભરવું અનિવાર્ય છે, જેમાં ઓસીઆઈ કાર્ડ ધારકો અને સગીરો પણ સામેલ છે. આ ઘટના બાદ હવે સુરક્ષા એજન્સીઓ અને ઇમિગ્રેશન વિભાગ વધુ સતર્ક બન્યા છે.
