થેની સબ-જેલમાંથી 17 કેદીઓ ભાગી છૂટવાની મોટી ઘટના બાદ તામિલનાડુ પ્રિઝન્સ ડિપાર્ટમેન્ટે રાજ્યભરની જેલોની સુરક્ષા સઘન બનાવી દીધી છે. આ ગંભીર ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેલ વિભાગ દ્વારા રાજ્યની 9 સેન્ટ્રલ જેલ, 5 વિમેન્સ પ્રિઝન અને 13 ડિસ્ટ્રિક્ટ જેલના વોચટાવાર પર સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ એટલે કે SLR સાથેના જવાનોને ચોવીસ કલાક તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટાફની રજાઓ રદ કરીને તાત્કાલિક ડ્યુટી પર રિપોર્ટ કરવા અને ફરજ દરમિયાન લાઠી સાથે રાખવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે.
વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, તામિલનાડુ સ્પેશિયલ પોલીસ અને જેલ સ્ટાફને આધુનિક હથિયારો સોંપવામાં આવ્યા છે. દરેક સેન્ટ્રલ અને ડિસ્ટ્રિક્ટ જેલમાં 5 થી 6 વોચટાવાર આવેલા છે, જ્યાં હવે રાઉન્ડ-ધ-ક્લોક સશસ્ત્ર પહેરો રહેશે. પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ સર્વિસીઝના ડિરેક્ટર જનરલ સંદીપ રાય રાઠોરે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો કોઈ કેદી જેલમાંથી ભાગવાની કોશિશ કરશે તો જવાનોએ તરત જ ગોળીબાર કરવો પડશે. મંગળવારે આર્મરીમાંથી હથિયારો ફાળવ્યા બાદ તરત જ સેન્ટ્રલ જેલોમાં સશસ્ત્ર જવાનોનું બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જે બાદ બુધવારથી ડિસ્ટ્રિક્ટ જેલોમાં પણ આ વ્યવસ્થા લાગુ કરી દેવાઈ છે.
હાલમાં રાજ્યની કુલ 125 જેલ સંસ્થાઓમાં 23,600 જેટલા કેદીઓ છે, જે અધિકૃત ક્ષમતા કરતા ઓછા છે, પરંતુ ચેન્નઈ, કોઈમ્બતુર અને મધુરાઈ જેવી સેન્ટ્રલ જેલોમાં કેદીઓની સંખ્યા ક્ષમતા કરતા 115% થી 150% સુધી હોવાથી ઓવરક્રાઉડિંગ એક મોટો પડકાર બની ગયું છે. આ સુરક્ષા ખામીઓને દૂર કરવા માટે હાલ જેલોનું સિક્યોરિટી ઓડિટ ચાલી રહ્યું છે, જે આ મહિનાના અંત સુધીમાં પૂરું થશે. આ ઓડિટ રિપોર્ટના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે અને જેલબ્રેક રોકવા માટે એક નવું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP પણ જારી કરવામાં આવ્યું છે.
