JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

અમદાવાદમાં દિવાળી પહેલાં મોટો ઘટસ્ફોટ, 1 લાખ કિલોથી વધુ શંકાસ્પદ માવો ઝડપાયો

Oct 28, 2026 | 14:00 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં દિવાળી પહેલાં મોટો ઘટસ્ફોટ, 1 લાખ કિલોથી વધુ શંકાસ્પદ માવો ઝડપાયો
તહેવારોની મોસમમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ગોમતીપુરના એક કોલ્ડ સ્ટોરેજમાંથી એક્સપાયરી ડેટ વગરનો અને શંકાસ્પદ હાલતમાં પડેલો એક લાખ કિલોથી વધુ માવો જપ્ત કરીને નમૂના લેવામાં આવ્યા છે.

દિવાળીના તહેવાર ટાણે જ મીઠાઈઓની માંગ વધી જતી હોય છે અને તેનો જ લાભ લઈને બજારમાં ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચાઈ જતી હોય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરના એક કોલ્ડ સ્ટોરેજ પર અચાનક દરોડા પાડ્યા હતા. આ કોલ્ડ સ્ટોરેજમાં શહેરના અલગ-અલગ મોટા વેપારીઓ અને કંપનીઓ દ્વારા માવાનો સંગ્રહ કરવામાં આવતો હતો. તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને તહેવારો પહેલા જ ખાદ્ય સુરક્ષાને લઈને મોટો સવાલ ઊભો થયો છે.

તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આ કોલ્ડ સ્ટોરેજમાં અંદાજે 50 જેટલા વેપારીઓ અને કંપનીઓનો માવો સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જેનો કુલ જથ્થો 1 લાખ કિલોથી પણ વધુ હોવાનો અંદાજ છે. હાલ તંત્ર દ્વારા 40 હજાર કિલોથી વધુ શંકાસ્પદ માવાનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે અને મુખ્ય 10 થી 15 વેપારીઓના જથ્થા પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે. સૌથી મોટી શંકા એ વાત પર છે કે આ માવાના પેકેટ પર કોઈ જ ઉત્પાદન તારીખ કે એક્સપાયરી ડેટ લખવામાં આવી નહોતી, જે ખાદ્ય સુરક્ષાના કાયદાનું સીધું ઉલ્લંઘન છે. એટલું જ નહીં, માવા ઉપરાંત મિલ્ક પાઉડર, પામોલીન તેલ અને ખાંડમાંથી બનતી અન્ય પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ મીઠાઈઓમાં થતો હોવાનું સામે આવ્યું છે.

આરોગ્ય વિભાગની ટીમે તમામ શંકાસ્પદ જથ્થામાંથી જરૂરી સેમ્પલ્સ મેળવીને તેને સરકારી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે, જેના રિપોર્ટ આગામી 3 થી 4 દિવસમાં આવી જશે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે કે આ માવો ખાવા લાયક છે કે નહીં અને તેમાં કેટલી હદે ભેળસેળ કરવામાં આવી છે. જો આ માવો બિનઆરોગ્યપ્રદ સાબિત થશે તો સંબંધિત તમામ વેપારીઓ અને કંપનીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ લાલ આઈથી નાગરિકોએ પણ દિવાળી પર મીઠાઈ ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.

LATEST ARTICLES