ફેસ્ટિવ સિઝન આવે એટલે ફરવા જવાનો ઉત્સાહ વધી જાય, પણ સાથેસાથે ફ્લાઇટની ટિકિટ અને હોટેલના રૂમના ભાવ સાંભળીને ખિસ્સા પર ભાર પણ વધવા લાગે છે. જો કે, થોડી સમજદારીપૂર્વકનું પ્લાનિંગ કરવામાં આવે તો આ મોંઘવારી વચ્ચે પણ બજેટ બગાડ્યા વગર શાનદાર હોલિડે માણી શકાય છે. તહેવારની તારીખના એક કે બે દિવસ આગળ-પાછળ પ્રવાસ ગોઠવવાથી અથવા વીકડેઝમાં ટ્રાવેલ કરવાથી ટિકિટ ઘણી સસ્તી મળી શકે છે. આ ઉપરાંત, નજીકના એરપોર્ટ અને વન-સ્ટોપ રૂટ ચેક કરવાથી પણ ભાડામાં મોટી રાહત મળી શકે છે અને ટ્રેનની મુસાફરી માટે બુકિંગ ખુલતાની સાથે જ ટિકિટ કન્ફર્મ કરી લેવી ડાહ્યા માણસનું કામ છે.
ટ્રાન્સપોર્ટની જેમ જ હોટેલનું ભાડું પણ પીક સિઝનમાં વધી જતું હોય છે, તેથી હંમેશા ઓપ્શન્સ સરખાવીને જ બુકિંગ કરવું જોઈએ. પ્રવાસીઓ રિફંડેબલ રૂમ બુક કરીને અને ભાવ ઘટે તેની રાહ જોઈને પણ બચત કરી શકે છે, જેમાં એક્સપર્ટ્સનું માનવું છે કે મુખ્ય ટૂરિસ્ટ સ્પોટથી દૂર પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાવાળી હોટેલ ઘણી સસ્તી પડે છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતી વખતે ટેક્સ અને કરન્સી કન્વર્ઝન ચાર્જિસ ધ્યાનમાં રાખીને ફાઇનલ પ્રાઈસ રૂપિયામાં કમ્પેર કરવી ખૂબ જરૂરી છે. વિદેશમાં હોટેલ કે રેસ્ટોરન્ટમાં લોકલ કરન્સીમાં જ પેમેન્ટ કરવું જોઈએ અને પ્રિપેઇડ ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરવાથી હજારો રૂપિયાની બચત થઈ શકે છે.
કોઈપણ ટ્રાવેલ ઓફર કે ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સનો ઉપયોગ કરતા પહેલા એ ચકાસી લેવું જરૂરી છે કે તેનાથી ખરેખર ખર્ચ ઘટે છે કે પછી બિનજરૂરી ખરીદી વધે છે. હોલિડે ફંડ માટે પર્સનલ લોન કે EMIના ચક્કરમાં પડવા કરતા આખા વર્ષ દરમિયાન રિકરિંગ ડિપોઝિટ એટલે કે RD કે શોર્ટ-ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટમાં થોડી-થોડી રકમ બચાવવી સૌથી ઉત્તમ રસ્તો છે. ક્રેડિટ કાર્ડ વાપરવું હોય તો સમયસર આખું બિલ ભરી દેવું જેથી 3 થી 4 ટકા જેટલું ભારેખમ વ્યાજ ન ચૂકવવું પડે. ટૂંકમાં, ફાઇનાન્સિયલ પ્રેશર વધાર્યા વગર અગાઉથી આયોજન કરીને ચાલશો તો તહેવારોની મજા પણ બગડશે નહીં અને બજેટ પણ કાબૂમાં રહેશે.
