JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

આકાશ અંબાણીની મોટી જાહેરાત, હવે દરેક ભારતીય સુધી પહોંચશે AI અને સ્પેસ કનેક્ટિવિટી

Oct 28, 2026 | 13:55 | By JAMNAGAR MIRROR
આકાશ અંબાણીની મોટી જાહેરાત, હવે દરેક ભારતીય સુધી પહોંચશે AI અને સ્પેસ કનેક્ટિવિટી
રિલાયન્સ જિયોએ સ્ટોક માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે અને આઈપીઓ લિસ્ટિંગના દિવસે જ આકાશ અંબાણીએ આગામી મિશનનું એલાન કર્યું છે. જિયો હવે ડેટાથી આગળ વધીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ અને સ્પેસ કનેક્ટિવિટી દરેક નાગરિક સુધી પહોંચાડવા કામ કરશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ આર્મ જિયોએ હવે ડેટા માર્કેટમાં ક્રાંતિ લાવ્યા બાદ આગળનું મોટું મિશન હાથ ધર્યું છે. જિયો પ્લેટફોર્મના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ સ્ટોક એક્સચેન્જ પર જિયોની શાનદાર એન્ટ્રી વખતે જાહેરાત કરી હતી કે કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સ્પેસ કનેક્ટિવિટીને દેશના દરેક ખૂણે પહોંચાડવા માટે કામ કરશે. છેલ્લા 10 વર્ષમાં કંપનીએ કરોડો લોકોને ડિજિટલ દુનિયા સાથે જોડ્યા છે અને હવે જિંદગી બદલી નાખતી દરેક ટેક્નોલોજી સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચે તેવો નવો ધ્યેય રાખવામાં આવ્યો છે.

માર્કેટમાં જિયોનો આઈપીઓ ખૂબ જ ધમાકેદાર રહ્યો હતો અને તે ઇશ્યુ પ્રાઇસ કરતા 21.3 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. આશરે Rs 30,200 કરોડનો આ આઈપીઓ લોન્ચ થયાના માત્ર 95 મિનિટમાં જ ફૂલ સબસ્ક્રાઇબ થઈ ગયો હતો, જે ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી ઝડપી પ્રતિસાદ છે. આ પબ્લિક ઓફરિંગને ઇન્વેસ્ટર્સ તરફથી Rs 7.5 લાખ કરોડથી વધુની જબરદસ્ત ડિમાન્ડ મળી હતી અને કુલ 1.3 કરોડથી વધુ એપ્લિકેશન્સ આવી હતી, જેણે દલાલ સ્ટ્રીટના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આકાશ અંબાણીએ આ સફળતા બદલ દેશ-વિદેશના તમામ રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો આભાર માન્યો હતો.

વર્તમાન સમયમાં જિયો સાથે 540 મિલિયન એટલે કે 54 કરોડથી વધુ કસ્ટમર્સ જોડાયેલા છે અને કંપની માત્ર કનેક્ટિવિટી પૂરતી મર્યાદિત ન રહેતા એક મોટી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્લેટફોર્મ બનવા તરફ આગળ વધી રહી છે. આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી ક્યારેય અંતિમ ઉદ્દેશ્ય ન હોવી જોઈએ, પરંતુ તેનું સાચું મૂલ્ય નવી તકો ઊભી કરવામાં અને પ્રગતિના અવરોધો દૂર કરવામાં છે. આગામી સમયમાં જિયો આ સ્કેલને જાળવી રાખીને વધુ જટિલ ટેક્નોલોજી બિઝનેસમાં ઝંપલાવશે અને ભારતને એક સાચી ડિજિટલ સોસાયટી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

LATEST ARTICLES