ભારતીય પેરા-એથ્લેટિક્સ જગતમાંથી એક ખૂબ જ આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં દેશના સ્ટાર પેરા-એથ્લીટ નીરજ યાદવનું 42 વર્ષની વયે અચાનક નિધન થયું છે. નીરજે કથિત રીતે પોતાના ઘરે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભારતીય પેરા-એથ્લેટિક્સ ટીમના મુખ્ય કોચ એસ. સત્યનારાયણે આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેમનો મૃતદેહ હોસ્પિટલમાં હતો અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી. આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર રમતજગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
નીરજ યાદવે આ આત્મહત્યા જેવું અંતિમ પગલું કેમ ભર્યું તેનું સત્તાવાર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ અહેવાલો મુજબ તેઓ ભારે માનસિક તણાવમાં હતા. આ વર્ષે જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સમાં તેમના પર ડોપિંગના આરોપસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ આ મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્યા નહોતા. મુખ્ય કોચ એસ. સત્યનારાયણે પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેમને આ ચોક્કસ કારણની ખબર નથી, પરંતુ એથ્લીટ્સ મુશ્કેલ સમયમાં તણાવનો શિકાર બનતા હોય છે. તેમણે ઉમેર્યું કે ખેલાડીઓએ કારકિર્દીના આવા મુશ્કેલ સમયમાં હંમેશા ધીરજપૂર્વક સામનો કરવો જોઈએ.
મૂળ જબરા જોસ્સાવાળા નીરજ યાદવનું જીવન સંઘર્ષ અને સફળતાની અનોખી ગાથા રહ્યું છે. માત્ર 7 વર્ષની નાની ઉંમરે તેમને પોલિયોનો હુમલો થયો હોવા છતાં તેમણે ક્યારેય હિંમત હારી નહોતી. શરૂઆતમાં વ્હીલચેર ટેનિસમાં હાથ અજમાવ્યા બાદ તેમણે પેરા-એથ્લેટિક્સ તરફ રૂખ કર્યો અને ઇતિહાસ રચ્યો. તેમણે વર્ષ 2018માં જકાર્તા અને વર્ષ 2023માં હાંગઝોઉ ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને દેશ માટે કુલ 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમની આ અકાળે વિદાયથી દેશના સ્પોર્ટ્સ જગતને ક્યારેય ના ભરાય તેવી મોટી ખોટ પડી છે.
