JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

તામિલનાડુમાં 13 વર્ષ પછી ઓટો રિક્ષાના ભાડા વધ્યા, હવે શરૂઆતના 1.8 કિલોમીટર માટે ચૂકવવા પડશે 50 રૂપિયા

Oct 28, 2026 | 11:46 | By JAMNAGAR MIRROR
તામિલનાડુમાં 13 વર્ષ પછી ઓટો રિક્ષાના ભાડા વધ્યા, હવે શરૂઆતના 1.8 કિલોમીટર માટે ચૂકવવા પડશે 50 રૂપિયા
તામિલનાડુ સરકારે રાજ્યમાં પૂરાં 13 વર્ષ બાદ ઓટો રિક્ષાના ભાડામાં મોટો વધારો કર્યો છે. નવી નોટિફિકેશન મુજબ હવે મિનિમમ ભાડું 50 રૂપિયા નક્કી કરાયું છે અને રાત્રે મુસાફરી કરવા પર કે ઘાટ વિસ્તારમાં જવા પર વધારાનો ચાર્જ લાગશે.

તામિલનાડુમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે રાજ્ય સરકારે પૂરાં 13 વર્ષના લાંબા અંતરાલ બાદ ઓટો રિક્ષાના ભાડામાં ફેરફાર કર્યો છે. હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા 27 ઓક્ટોબરના રોજ સરકારી ગેઝેટમાં આ નવા ભાડા અંગેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ જારી કરાયેલા આ આદેશથી રાજ્યના ચેન્નાઈ મેટ્રોપોલિટન એરિયા સહિત તમામ વિસ્તારોમાં ઓટો ચાલકો અને મુસાફરો માટે નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે, જેને અમલમાં મૂકવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને સૂચના આપી દેવાઈ છે.

નવા ભાડા માળખા મુજબ હવે મુસાફરોએ પહેલા 1.8 કિલોમીટરના અંતર માટે મિનિમમ 50 રૂપિયા ભાડું આપવું પડશે, જ્યારે ત્યારપછીના દરેક વધારાના કિલોમીટર માટે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય ખાસ પરિસ્થિતિઓ માટે પણ અલગ રેટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ મુસાફરી માટે રેગ્યુલર ભાડા કરતાં 1.5 ગણો ચાર્જ લેવાશે. વેટિંગ ચાર્જ પ્રતિ મિનિટ 1 રૂપિયા રાખવામાં આવ્યો છે, જ્યારે ઘાટ રોડ માટે 60 રૂપિયા બેઝ ફેર અને પ્રતિ કિલોમીટર 30 રૂપિયાનો વધારાનો ચાર્જ નક્કી કરાયો છે. અગાઉ 2013માં મિનિમમ ભાડું માત્ર 25 રૂપિયા અને વધારાનું ભાડું 12 રૂપિયા પ્રતિ કિલોમીટર હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટો ચાલકોના ઓપરેટિંગ ખર્ચમાં ખૂબ જ વધારો થયો હોવાને કારણે ડ્રાઇવરો મુશ્કેલીમાં મુકાયા હતા અને 13 વર્ષથી ભાડામાં કોઈ જ ફેરફાર થયો નહોતો. આ જ કારણોસર સરકારે ડ્રાઇવરોને રાહત આપવા અને વધતા ખર્ચને પહોંચી વળવા આ પગલું ભર્યું છે. નવા નિયમો લાગુ થવાથી ચેન્નાઈ અને આજુબાજુના તમામ રીજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી હેઠળ દોડતી તમામ કોન્ટ્રાક્ટ કેરેજ ઓટો રિક્ષાઓમાં હવે આ નવા રેટ્સ જ જોવા મળશે, જેથી મુસાફરોએ હવે પોતાના માર્ગ અને સમય મુજબ બદલાયેલા ભાડા પ્રમાણે જ ગણતરી કરીને નાણાં ચૂકવવા પડશે.

LATEST ARTICLES