બિઝનેસ જગતમાં દિગ્ગજ ગણાતા ટાટા ગ્રુપની અંદર ચાલી રહેલો વિવાદ હવે રાજગકારણના કેન્દ્રમાં આવી ગયો છે, જ્યાં બુધવારે લોકસભામાં ઓપોઝિશન લીડર રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દેશની જાણીતી કંપની ટાટાને અત્યારે ક્રિમિનલી નષ્ટ કરવામાં આવી રહી છે, છતાં મોટા બિઝનેસ લીડર્સ આ મામલે ચુપકીદી સેવીને બેઠા છે. રાહુલે સરકાર પર નિશાન સાધતા લખ્યું હતું કે ભારતીય બિઝનેસ જગત એ મોદી અને શાહનું રમકડું નથી અને ઉદ્યોગપતિઓ ડરના કારણે બોલી રહ્યા નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી આ મામલે ચૂપ નહીં બેસીને ન્યાય અપાવશે.
ટાટા સન્સના ચેરમેન તરીકે એન ચંદ્રશેખરનની ફેબ્રુઆરી 2027 પછીના બીજા 5 વર્ષ માટેની પુનઃ નિમણૂકને લઈને ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ મોરચો ખોલ્યો છે. ગત 17 સપ્ટેમ્બરના રોજ મળેલી બોર્ડ મીટીંગમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં નોએલ ટાટાએ કંપની સેક્રેટરી સુપ્રકાશ મુખ્હોપાધ્યાયને પત્ર લખીને આ પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી છે કારણ કે તે મીટીંગના એજન્ડામાં સામેલ નહોતી. ટાટા સન્સમાં લગભગ બે-તૃતીયાંશ હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સના વડા નોએલ ટાટાએ બોર્ડ વોટિંગ દરમિયાન ચંદ્રશેખરનની નિમણૂકનો વિરોધ કર્યો હતો, જ્યારે બીજા નોમિની વેણુ શ્રીનિવાસાને બહુમતી સાથે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
આ આંતરિક વિવાદ માત્ર ચેરમેનની નિમણૂક પૂરતો મર્યાદિત નથી, પરંતુ ટાટા સન્સને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરવાના પ્રસ્તાવ પર પણ બંને પક્ષો આમ્મને-સામ્મને આવી ગયા છે. નોએલ ટાટાનું માનવું છે કે લિસ્ટિંગથી ટાટા ટ્રસ્ટ્સનું ફિલન્થ્રોપિક મિશન નબળું પડી શકે છે અને માર્કેટ વોલેટિલિટી વધશે, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સ મુજબ બોર્ડ લિસ્ટિંગની તરફેણમાં છે. વિવાદ એટલો વધ્યો છે કે બંને પક્ષોએ સંભવિત લિગલ પ્રોસીડિંગ્સ માટે પોતાની ડાયરેક્ટર્સ એન્ડ ઓફિસર્સ લાયેબિલિટી ઇન્શ્યોરન્સ કવરેજની તપાસ શરૂ કરી દીધી છે, જોકે હજુ સુધી કોઈ પક્ષ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો નથી.
