JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
લાઈફસ્ટાઈલ

કલાના રંગે રંગાઈ, આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી માનુનીઓની પ્રેરણાદાયી સફર

Oct 28, 2026 | 12:55 | By JAMNAGAR MIRROR
કલાના રંગે રંગાઈ, આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી માનુનીઓની પ્રેરણાદાયી સફર
દિવાળીના પર્વ ટાણે હાથની કળા અને પરિવારના સાથથી પોતાની આગવી ઓળખ બનાવનાર મહિલાઓની વાત સામે આવી છે. ફોટો ચોકલેટથી ખ્યાના મેળવનાર પૂજાબેન માણેક અને કોર્પોરેટ ગિફ્ટ સુધી પહોંચનાર નિમિષાબેન ખન્નાની સફર અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂૂપ બની રહી છે.

દિવાળી એટલે કેવળ દીવાઓની રોશની નહીં, પણ જીવનમાં નવી આશા અને ઉમંગનો સંચાર કરનાર પર્વ. આ તહેવાર ટાણે બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે ત્યારે હાથની કારીગરી અને સર્જનાત્મકતા દ્વારા આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી મહિલાઓની કહાની ઘણી પ્રેરક છે. સમય બદલાયો છે અને બજારમાં અનેક તૈયાર વસ્તુઓ મળે છે, છતાં કલાકારોની સ્કીલ અને લાગણીથી બનતી ચીજવસ્તુઓનું મહત્ત્વ આજે પણ એટલું જ અકબંધ છે. આવી જ અનોખી કળા દ્વારા સમાજમાં પોતાની ઓળખ ઊભી કરનાર પૂજા ક્રિએશનના પૂજાબેન માણેક અને નિરાલી ક્રીએશનના નિમિષાબેન ખન્નાએ સાબિત કરી દીધું છે કે હૈયામાં હિંમત અને પરિવારનો સાથ હોય તો કોઈ પણ મુશ્કેલીમાં સફળતા મેળવી શકાય છે.

છેલ્લાં 15 વર્ષથી હસ્તકલા અને ફોટો ચોકલેટના ક્ષેત્રે જાણીતાં બનેલાં પૂજાબેનની સફર સંઘર્ષભરેલી રહી છે. પરિવારની માંદગી અને બાળકોની જવાબદારી વચ્ચે તેમણે બુટિકનું કામ છોડી ઘરેથી જ હસ્તકલા શરૂ કરી હતી. તેઓ દિવાળી માટે ચિરોડી રંગની હેન્ડમેડ રંગોળી, લાભ-શુભનાં ડેકોરેટિવ પીસ અને ડિઝાઇનર દીવડાં બનાવે છે. ખાસ કરીને એડિબલ કલરથી ચોકલેટ પર વ્યક્તિનો ફોટો ઉતારીને બનાવવામાં આવતી તેમની ફોટો ચોકલેટ ખૂબ જ ફેમસ છે, અને આ જ કળાથી બનેલી અમિતાભ બચ્ચનના ફોટોવાળી ચોકલેટ કેબીસી સુધી પહોંચી ચૂકી છે. બીજી તરફ, છેલ્લાં 25 વર્ષથી મોરબીનાં નિમિષાબેન ખન્ના માટીના સામાન્ય કોડિયા અને ગ્રીટિંગ કાર્ડથી શરૂઆત કરીને આજે કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર અને વેડિંગ કલેક્શન સુધી પહોંચ્યાં છે, જે તેમની લાંબી મહેનત દર્શાવે છે.

આ બંને મહિલાઓની કલા માત્ર વ્યવસાય પૂરતી મર્યાદિત નથી, પણ તેમાંથી મોટું માર્ગદર્શન પણ મળે છે. પૂજાબેન શાળાઓ અને સંસ્થાઓમાં ફ્રી સેમિનાર યોજીને પોતાની કળા અન્ય લોકોને શીખવે છે અને વિવિધ સ્પર્ધાઓમાં જજ તરીકે પણ સેવા આપે છે. પતિ જયદીપભાઈના સપોર્ટથી તેઓ ઘર અને કામનું ઉત્તમ બેલેન્સ જાળવી રહ્યાં છે. તેવી જ રીતે નિમિષાબેન પણ વોલ ક્લોક, નેમપ્લેટ, કી હોલ્ડર અને ગ્રાહકોના બજેટ મુજબના સુંદર ગિફ્ટ હેમ્પર તૈયાર કરે છે. દિવાળીના આ પર્વ પર આ બંને મહિલાઓની સફર એ વાતની સાક્ષી પૂરે છે કે સાચી લગનથી કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી.

LATEST ARTICLES