ભાવનગર જિલ્લાના સિહોરમાં વહીવટી તંત્ર સામે રાજ્ય સરકારે અત્યંત કડક અને લાલ આંખ કરતી કાર્યવાહી હાથ ધરી છે. સિહોર તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO તરીકે ફરજ બજાવતા મૌસમસિંહ રાવ સામે લાંબા સમયથી વહીવટી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મામલે સરકાર દ્વારા 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત મોટો નિર્ણય લઈને લાંબી તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે. તપાસના અંતે સામાન્ય વહીવટ વિભાગ એટલે કે GAD દ્વારા TDO મૌસમસિંહ રાવને ફરજિયાત નિવૃત્તિ આપવાનો સત્તાવાર હુકમ કરી દેવામાં આવ્યો છે.
સિહોર તાલુકામાં ફરજ દરમિયાન મૌસમસિંહ રાવ પર વહીવટી કામગીરીમાં લાંચ-રૂશ્વત લેવાના અને પંચાયતના નાણાંનો દુરુપયોગ કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા હતા. તપાસમાં ગેરરીતિઓ પૂરવાર થતા અને દોષિત સાબિત થતા સરકારે પ્રશાસનિક ધોરણે કડક વલણ અપનાવ્યું છે. સરકારી કચેરીઓમાં ચાલતી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે લેવાયેલા આ પગલાથી સમગ્ર ભાવનગર જિલ્લાના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
સરકારના આ સપાટા બાદ સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળ્યો છે. સિહોર ખાતે ભ્રષ્ટાચાર સામે લાંબા સમયથી લડત ચલાવી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. કચેરીઓમાં પ્રજાના કામો અર્થે થતી હેરાફેરી સામે સરકારે લીધેલા આ કડક પગલાની ખુશીમાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને અને એકબીજાને મોં મીઠાં કરાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય પ્રજા અને સ્થાનિક સામાજિક સંગઠનો દ્વારા પણ સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
