મોબાઈલ અને સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઇન ગેમ રમવાની ઘેલછા કેટલી ભારે પડી શકે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જામનગર સીટી 'એ' ડિવિઝન પોલીસે ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને આસામથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગત તા. 8 ઓક્ટોબર, 2026ના રોજ સાંજના આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીર વયની દીકરી જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. આ અંગે પરિવારની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આસામ સુધી પહોંચીને આખી જાળનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
આ કેસની તપાસ દરમિયાન પોલીસ વડાઓ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસની મદદ લીધી હતી, જેમાં પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજાને મહત્વની કડી મળી હતી. તપાસમાં ખુલાસો થયો કે સગીરા મોબાઇલ ફોનમાં ફ્રી ફાયર ગેમ રમતી હતી અને આ દરમિયાન આરોપી પ્રદ્યુત કાર્તીક ચૌધરીએ ગેમમાં આઈડી બનાવી તેની સાથે સંપર્ક કેળવ્યો હતો. ત્યારબાદ ગેમમાં જ ચેટિંગ કરીને મોબાઈલ નંબર મેળવી લીધા અને ફોન પર વાતચીત કરી સગીરાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરીને આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામે લઈ ગયો હતો.
આ બાજુ જામનગર પોલીસે ટીમ બનાવીને આસામના જોગીઘોપા ખાતે દરોડો પાડીને 24 વર્ષના આરોપી પ્રદ્યુત કાર્તીક ચૌધરીને પકડી લીધો હતો અને સગીરાને મુક્ત કરાવી તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સોંપી દીધી હતી. હાલ આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે તમામ વાલીઓ માટે ખાસ અપીલ જારી કરી છે કે બાળકો ઓનલાઇન ગેમ્સ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે અજાણ્યા લોકોના સંપર્કમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું, જેથી ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓથી બાળકોને બચાવી શકાય.
