JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

અમદાવાદમાં દિવાળી ટાણે જ મોટો પર્દાફાશ, ગોમતીપુરમાંથી 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત

Oct 28, 2026 | 12:55 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં દિવાળી ટાણે જ મોટો પર્દાફાશ, ગોમતીપુરમાંથી 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડીને રજવાડી સ્વીટના નામે સંગ્રહિત કરેલો અંદાજે 40000 કિલોથી વધુ શંકાસ્પદ માવાનો જથ્થો સીલ કર્યો છે. આ મામલે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે અને આગામી 4 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ કાનૂની કાર્યવાહી હાથ ધરીશું તેમ તંત્રએ જણાવ્યું છે.

દિવાળીના તહેવારોમાં મીઠાઈઓની વધતી માંગ વચ્ચે સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં રજવાડી સ્વીટના નામે શંકાસ્પદ માવા અને અન્ય બનાવટી ઉત્પાદનો મોટા પ્રમાણમાં સંગ્રહિત કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. તહેવારની મોસમમાં બજારમાં અંદાજે 1 લાખ કિલો જેટલો માવો વિવિધ કંપનીઓ દ્વારા સ્ટોર કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે આ સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી શંકાસ્પદ માવા અને રાધિકા ફૂડ પ્રોડક્ટની પ્રોડક્ટ્સના સેમ્પલ લઈને ભેળસેળની આશંકાએ લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. સુરક્ષાના ભાગરૂપે અત્યારે 40000 કિલોથી વધુનો આ શંકાસ્પદ જથ્થો વેચાણ માટે અટકાવીને સીલ કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે બજારમાં સસ્તી મીઠાઈઓ બનાવવા માટે અસલી માવાને બદલે ખાંડ અને હાનિકારક પામ તેલમાંથી બનાવવામાં આવતી નકલી બરફીનો ઉપયોગ થાય છે, જેને અસલી માવાની મીઠાઈ તરીકે ગ્રાહકોને ધાબડવામાં આવે છે.

આગામી 4 દિવસમાં આ સેમ્પલના લેબ રિપોર્ટ હાથમાં આવ્યા બાદ જવાબદારો સામે સખત કાનૂની પગલાં લેવામાં આવશે તેવી તંત્રએ ખાતરી આપી છે. એક તરફ તંત્ર દ્વારા આ કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ તહેવારો વીતી ગયા બાદ રિપોર્ટ આપતી આવી ફૂડ સેફ્ટીની કામગીરીને માત્ર એક નાટક ગણાવીને સવાલો ઉઠાવ્યા છે. હાલ તો દિવાળી ટાણે પકડાયેલા આ મોટા જથ્થાને કારણે વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને નાગરિકોના આરોગ્યનો મુદ્દો ફરી એરપોર્ટ પર આવ્યો છે.

LATEST ARTICLES