JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

દેશના દિગ્ગજ પેરા એથ્લીટ અને 3 વખત ગોલ્ડ મેડલ જીતનાર નીરજ યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Oct 28, 2026 | 11:10 | By JAMNAGAR MIRROR
દેશના દિગ્ગજ પેરા એથ્લીટ અને 3 વખત ગોલ્ડ મેડલ જીતનાર નીરજ યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત
એશિયન પેરા ગેમ્સમાં દેશનું નામ રોશન કરનાર 42 વર્ષીય નીરજ યાદવે દિલ્હીના ફ્લેટમાં ઝેરી પદાર્થ પીને આપઘાત કરી લીધો હોવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. ડોપિંગ સસ્પેન્શનના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતીય પેરા એથ્લેટિક્સ જગત માટે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં એશિયન પેરા ગેમ્સમાં 3 વખત ગોલ્ડ મેડલ જીતનાર સ્ટાર એથ્લીટ નીરજ યાદવે મંગળવારે રાત્રે દિલ્હીના એક ફ્લેટમાં કથિત રીતે આપઘાત કરી લીધો છે. F55 કેટેગરીમાં રમનાર 42 વર્ષીય નીરજ યાદવે ઝેર ગટગટાવી લીધું હોવાની આશંકા છે. આ દુર્ઘટનાની જાણ થતા જ આખી સ્પોર્ટ્સ ફ્રેટર્નિટીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બુધવારે દિલ્હીની જીટીબી હોસ્પિટલ ખાતે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જ્યાં પેરાલિમ્પિક ચેમ્પિયન સુમિત અંતીલ અને સાથી પેરા-એથ્લીટ વિપિન કસાના પણ હાજર રહ્યા હતા.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી નીરજ યાદવનું જીવન સંઘર્ષ અને સિદ્ધિઓથી ભરેલું હતું. માત્ર 7 વર્ષની ઉંમરે તેમને પોલિયોની બીમારી થઈ હોવા છતાં તેમણે હિંમત હારી નહોતી. વર્ષ 2005 થી 2012 સુધી વ્હીલચેર ટેનિસ રમ્યા બાદ તેઓ પેરા-એથ્લેટિક્સમાં આવ્યા હતા. તેમણે વર્ષ 2018ની જકાર્તા એશિયન પેરા ગેમ્સમાં 29.84 મીટરના શાનદાર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને ઇન્ટરનેશનલ લેવલે ધમાકો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2023ની હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પણ તેમણે જાવેલિન અને ડિસ્કસ થ્રોમાં 2 ગોલ્ડ મેડલ જીતીને કુલ 3 ગોલ્ડ મેડલ સાથે દેશનું નામ રોશન કર્યું હતું. જોકે, ઓક્ટોબર 2023માં બેંગલુરુમાં લેવાયેલા સેમ્પલમાં ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવતા નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ભારતના ચીફ પેરા-એથ્લેટિક્સ કોચ એસ. સત્યનારાયણે આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે નીરજ ડોપિંગ સસ્પેન્શનના કારણે આગામી એશિયન પેરા ગેમ્સમાં રમી શકવાના નહોતા, જેના લીધે તેઓ કદાચ ભારે માનસિક તાણ અને ડિપ્રેશનમાં હતા. કોચના મતે આ ગેમ્સમાં મેડલ જીતવાથી સરકાર તરફથી મોટું ઇનામ અને નોકરીની તકો મળતી હોય છે, પરંતુ સસ્પેન્શનના કારણે તેઓ ભાગ ન લઈ શક્યા અને અંદરથી ભાંગી પડ્યા હોઈ શકે. નાની ઉંમરે પોલિયો સામે જંગ જીતીને એશિયામાં ભારતનો ડંકો વગાડનાર એક તેજસ્વી ખેલાડીના આ પ્રકારે અચાનક ચાલ્યા જવાથી સમગ્ર દેશના સ્પોર્ટ્સ જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

LATEST ARTICLES