JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સાબરકાંઠાના ઇડરના લાલોડા ગામે ખનન માફિયાઓનો આતંક, ગૌચર અને તળાવમાંથી લાખો મેટ્રિક ટન રેતી-માટીની ચોરી

Oct 28, 2026 | 09:51 | By JAMNAGAR MIRROR
સાબરકાંઠાના ઇડરના લાલોડા ગામે ખનન માફિયાઓનો આતંક, ગૌચર અને તળાવમાંથી લાખો મેટ્રિક ટન રેતી-માટીની ચોરી
વિકાસના પ્રોજેક્ટ્સની આડમાં ઇડરના લાલોડા ગામે ખનન માફિયાઓએ હદ વટાવી છે. ગામના પશુઓની જીવાદોરી સમાન ગૌચર અને તળાવમાંથી પરવાનગી વગર લાખો મેટ્રિક ટન માટી અને રેતીની ખુલ્લેઆમ ચોરી થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લાલોડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી ખનન માફિયાઓની બેફામ લૂંટનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વિકાસના પ્રોજેક્ટ્સની આડમાં સક્રિય બનેલા આ માફિયાઓએ ગામના મૂગા પશુઓની જીવાદોરી સમાન ગૌચર જમીન અને જળસ્રોતને સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યા છે. ગામના ગૌચર અને તળાવમાંથી કોઈ પણ પ્રકારની પરવાનગી વગર લાખો મેટ્રિક ટન રેતી અને માટીની ગેરકાયદેસર ચોરી કરવામાં આવી છે, જેના કારણે સરકારને લાખો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થયું છે છતાં હજુ સુધી જવાબદારો સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

આ ગેરકાયદેસર ખનનના વિગતવાર અહેવાલ મુજબ, લાલોડા ગામની ગૌચર જમીનના જૂના સર્વે નંબર 496 અને નવા સર્વે નંબર 32 માંથી 8 હેક્ટર કરતાં વધુ જમીન પરથી બેફામ ખનન કરીને રેતી અને માટી ઉઠાવી લેવાઈ છે. આટલું જ નહીં, પરંતુ વાચેરું તળાવના જૂના સર્વે નંબર 272 અને નવા સર્વે નંબર 828 ની અંદાજે 3 હેક્ટર જમીનમાંથી પણ મોટા પાયે ખનિજ ચોરી કરવામાં આવી છે. શામળાજીથી ખેરાલુ સુધી બની રહેલા નેશનલ હાઈવે 168-G ના નવીનીકરણ અને રોડ નિર્માણની કામગીરીમાં આ ગેરકાયદેસર રીતે ચોરી કરાયેલી માટીનો મોટા પ્રમાણમાં વપરાશ થયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર ખનન થતું હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયત, મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારી, કલેક્ટર તેમજ ખાણખનિજ વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે મોટા સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક પંચાયત આ મામલે ખરેખર અજાણ છે કે પછી માફિયાઓ સાથે તેમની કોઈ મિલીભગત છે તે તપાસનો વિષય બન્યો છે. ગામના પશુપાલકો અને સ્થાનિક નાગરિકોના જીવ સમાન ગૌચર જોખમમાં મુકાતા હવે તંત્ર સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે અને જો વહેલી તકે જવાબદાર માફિયાઓ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

LATEST ARTICLES