JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમદાવાદમાં ફૂટપાથ પર દુકાનદારોનો દબદબો; રાહદારીઓનો જીવ જોખમમાં મૂકતા AMC હરકતમાં

Oct 28, 2026 | 10:45 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં ફૂટપાથ પર દુકાનદારોનો દબદબો; રાહદારીઓનો જીવ જોખમમાં મૂકતા AMC હરકતમાં
કરોડોના ખર્ચે બનેલા અમદાવાદના ફૂટપાથ પર લારી-ગલ્લા અને દુકાનોના દબાણને કારણે રાહદારીઓને મુખ્ય રસ્તે ચાલવાની ફરજ પડી રહી છે. નાગરિકોની સુરક્ષાને લઈને AMC તંત્રની બેદરકારી સામે આવ્યા બાદ હવે એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે રાહદારીઓની સુવિધા અને સલામતી માટે બનાવવામાં આવેલા ફૂટપાથ આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. શહેરના પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથ પર ચાલવા માટે જ જગ્યા બચી નથી. ક્યાંક વેપારીઓએ પોતાની દુકાનોનો સામાન બહાર કાઢીને ફૂટપાથ પચાવી પાડ્યો છે, તો ક્યાંક ખાણીપીણીની લારીઓ અને ગલ્લાઓનો કાયમી અડિંગો જામી ગયો છે. પરિણામે, શહેરીજનોએ જીવના જોખમે પૂરપાટ દોડતાં વાહનોની વચ્ચે મુખ્ય રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ફૂટપાથ બ્લોક થઈ જતાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને દિવ્યાંગોએ વાહનો વચ્ચેથી પસાર થવું પડે છે, જેના કારણે જીવલેણ અકસ્માતનું જોખમ અનેકગણું વધી ગયું છે. દબાણો ઉપરાંત અનેક વિસ્તારોમાં ફૂટપાથ તૂટેલી હાલતમાં છે અથવા તો તેના પર ટુ-વ્હીલર પાર્ક કરી દેવામાં આવે છે, જેનાથી પેડેસ્ટ્રિયન ટ્રેક સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે. સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા કરાતી દબાણ હટાવ ઝુંબેશ માત્ર ફોટો સેશન અને દેખાડા પૂરતી જ મર્યાદિત રહે છે અને ટીમ જતી રહે એટલે ફરીથી દબાણો થઈ જાય છે.

આ ગંભીર લોકપ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ એસ્ટેટ કમિટીના ચેરમેને તમામ ઝોનના એસ્ટેટ વિભાગને કડક આદેશ આપ્યા છે કે ફૂટપાથ પર અડિંગો જમાવીને બેઠેલા લારી-ગલ્લા અને દુકાનદારોના સામાન સામે તાત્કાલિક ઝુંબેશ ચલાવવામાં આવે. ફૂટપાથ પર વાહનો પાર્ક ન થાય તે માટે વાહનચાલકો પોતાના વાહનો નિર્ધારિત પાર્કિંગ પ્લોટમાં જ પાર્ક કરે તેવી સૂચનાઓ પણ અપાશે. હવે જોવાનું એ રહેશે કે AMC નું તંત્ર આ આદેશોને માત્ર કાગળ પર સીમિત રાખે છે કે પછી ખરેખર રસ્તાઓ પર ઉતરીને ફૂટપાથ દબાણમુક્ત બનાવે છે.

LATEST ARTICLES