દિલ્હીમાં ટાટા ગ્રૂપની અંદર ચાલી રહેલો વિવાદ હવે ખુલીને બહાર આવ્યો છે, જેમાં ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની પુનઃ નિમણૂક સામે સવાલો ઉઠાવ્યા છે. આ આખા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ શેર કરીને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાહુલે જણાવ્યું હતું કે દેશના બિઝનેસમેન પીએમ મોદી અને અમિત શાહના હાથનું રમકડું નથી અને ટાટા ગ્રૂપને નષ્ટ કરવામાં આવી રહ્યું હોવા છતાં મોટા બિઝનેસ લીડર્સ ડરના કારણે એક શબ્દ પણ બોલી રહ્યા નથી.
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે નોએલ ટાટાએ 26 ઓક્ટોબરના રોજ ટાટા સન્સના કંપની સેક્રેટરી સુપ્રકાશ મુખ્હોપાધ્યાયને એક પત્ર લખ્યો હતો. નોએલ ટાટાના જણાવ્યા મુજબ, 17 સપ્ટેમ્બરના રોજ મળેલી બોર્ડ મીટિંગના એજન્ડામાં એન. ચંદ્રશેખરનની પુનઃ નિમણૂકનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં તેના પર મંજૂરી મેળવવામાં આવી હતી જે સંપૂર્ણપણે પ્રક્રિયાગત અનિયમિતતા છે. તેમણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના નિયમોનું ઉલ્લંઘન થયાનો દાવો કરીને આ રિઝોલ્યુશનને રદબાતલ ગણાવ્યું છે. નોએલ ટાટાએ મીટિંગના ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ, ફાઇનલ મિનિટ્સ અને વોટિંગની વિગતો માંગવા છતાં કંપની દ્વારા તે ઉપલબ્ધ ન કરાવાયા હોવાનો અને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં ખોટી રીતે દસ્તાવેજો ફાઇલ થયા હોવાનો આક્ષેપ કર્યો છે.
આ સમગ્ર મામલે નોએલ ટાટાએ કંપની પાસે 7 દિવસની અંદર તમામ મીટિંગ રેકોર્ડિંગ્સ, એજન્ડાના વિવિધ વર્ઝન અને સત્તાવાર દસ્તાવેજો માંગ્યા છે તેમજ જ્યાં સુધી રેકોર્ડ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આ રિઝોલ્યુશન પર આગળ કોઈ પગલાં ન લેવા રજિસ્ટ્રારને લેખિતમાં જણાવવા માંગ કરી છે. બીજી તરફ, રાહુલ ગાંધીએ આ વિવાદનો સંદર્ભ ટાંકીને ચેતવણી આપી છે કે જો બિઝનેસ જગત અત્યારે ચૂપ રહેશે તો સરકાર તેમને પણ પચાવી પાડશે. કોંગ્રેસ નેતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમની પાર્ટી આ મામલે ડર્યા વિના ઉભી રહેશે અને આ ક્રાઇમ સામે ન્યાય સુનિશ્ચિત કરશે.
