વૈશ્વિક સ્તરે એઆઈ ક્ષેત્રમાં થઈ રહેલા ઝડપી વિકાસ વચ્ચે ભારત સરકાર હવે અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ્સ માટે એક અલગ સેફ્ટી ફ્રેમવર્ક લાવવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી આપણી સિસ્ટમ ટેકનોલોજીને લઈને સામાન્ય નિયમો પર આધારિત હતી, પરંતુ હવે અમેરિકા સહિતના દેશોના અનુભવોમાંથી શીખીને એડવાન્સ્ડ એઆઈ મોડેલ્સ પર નજીકથી નજર રાખવામાં આવશે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સરકાર આગામી સપ્તાહોમાં નવા એઆઈ કાયદા અંગેનું એક કન્સલ્ટેશન પેપર જાહેર કરશે, જેમાં દેશના નાગરિકો, ઇન્ડસ્ટ્રી અને તમામ સ્ટેકહોલ્ડર્સ પાસેથી અભિપ્રાય લેવામાં આવશે.
આ પ્રસ્તાવિત કાયદામાં સામાન્ય એઆઈ એપ્લિકેશન્સ અને અત્યાધુનિક એઆઈ સિસ્ટમ્સ વચ્ચે ભેદરેખા દોરવામાં આવી શકે છે, જેને ફ્રન્ટિયર મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. આવા શક્તિશાળી મોડેલ્સ લોન્ચ કરતા પહેલા ડેવલપર્સે પર્યાપ્ત સેફ્ટી ફીચર્સ સાબિત કરવા પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર સેન્ડબોક્સ ટેસ્ટિંગ એટલે કે કંટ્રોલ એન્વાયર્નમેન્ટમાં પ્રી-રિલીઝ ઇવેલ્યુએશનનો વિકલ્પ પણ ચકાસી રહી છે જેથી માર્કેટમાં આવતા પહેલા જ સંભવિત ખતરા અને જોખમો શોધી શકાય. આ ઉપરાંત ડીપફેક, ફાઇનાન્સિયલ ફ્રોડ, માનસિક નુકસાન અને અસલી કે નકલી કન્ટેન્ટ વચ્ચે ફરક પારખવો મુશ્કેલ બનતો જાય છે તેવા મુદ્દાઓને પણ આ કાયદામાં આવરી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટના વકીલ એન. નપ્પિનાઈએ પણ આ બાબતે પોતાના મંતવ્યો આપતા જણાવ્યું છે કે એઆઈ ક્ષેત્રે ઇન્ડસ્ટ્રીને આગળ વધારવાની સાથે સાથે સુરક્ષા અને જવાબદારી નક્કી કરવી પણ એટલી જ જરૂરી છે.
ભારતની કાનૂની સિસ્ટમમાં કોઈપણ નિયમ લાગુ કરવા માટે ચોક્કસ કાનૂની જોગવાઈઓની જરૂર પડે છે, અને એટલા માટે જ વ્યાપક કાયદો લાવતા પહેલા કન્સલ્ટેશન પેપર દ્વારા સર્વાનુમતે અભિપ્રાય લેવાઈ રહ્યા છે. એઆઈ એજન્ટ્સ જાતે જ નિર્ણયો લેવા લાગે કે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિમાં માત્ર કન્ટેન્ટ મોડરેશન પૂરતું નથી, પરંતુ ડેવલપર્સથી લઈને પ્લેટફોર્મ્સ અને યુઝર્સ સુધીની જવાબદારી નક્કી કરવી અનિવાર્ય છે. સરકારનું લક્ષ્ય સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચર્સ પર વ્યાપારી બોજ વધાર્યા વિના એક એવું સંતુલિત નિયમન લાવવાનું છે જે વૈશ્વિક પ્રથાઓ સાથે સુસંગત હોય અને દેશના હિતોનું રક્ષણ પણ કરી શકે.
