સાઉથ કેરોલિનાના કોલંબિયા શહેરમાં વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં પડેલી ગ્રાન્ડ મોટેલની જગ્યાએ હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશાનું કિરણ જાગ્યું છે. નોનપ્રોફિટ સંસ્થા હોમલેસ નો મોર દ્વારા અહીં 30 આફોર્ડેબલ રેન્ટલ હોમ્સ તૈયાર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્ય માટે 13 ઓક્ટોબરે કન્સ્ટ્રક્શનનું કામ ધામધૂમથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી 1 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થવાની પૂરી આશા છે. આ પ્રોજેક્ટ પાછળ ફિલન્થ્રોપિસ્ટ અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટનું મોટું યોગદાન રહ્યું છે, જેમણે અગાઉ યુનાઈટેડ વે ઓફ ધ મિડલેન્ડ્સ સંસ્થાને 10 મિલિયન ડૉલરનું દાન આપ્યું હતું.
કુલ 12.8 મિલિયન ડૉલરના અંદાજિત ખર્ચવાળા આ ગ્રાન્ડ વિલેજ પ્રોજેક્ટમાં વન, ટૂ અને થ્રી-બેડરૂમવાળા આફોર્ડેબલ મકાનો બનાવવામાં આવી રહ્યા છે. આ મોટેલ 1950ના દાયકાથી ટુ નોચ રોડ અને વેસ્ટ બેલ્ટલાઇન બુલેવાર્ડના ખૂણે આવેલી હતી, જે સમય જતાં સાવ ખંડેર બની ગઈ હતી. હવે આ જૂની પ્રોપર્ટીને નવેસરથી ડેવલપ કરવામાં આવી રહી છે, જેમાં બે જુની બે-માળની બિલ્ડિંગોનું રેનોવેશન કરાશે અને મોટેલની હિસ્ટોરિક સાઈન પણ અકબંધ રાખવામાં આવશે. આ ઘરો એવા પરિવારો માટે છે જેઓ ઓછી આવક ધરાવે છે અથવા તો ફાઇનાન્શિયલ મુશ્કેલીમાં છે, જેમાં સ્કૂલના ટીચર્સ અને ફાયરફાઇટર્સ જેવા વર્કિંગ રેસિડન્ટ્સ પણ સરળતાથી રહી શકશે. આ પ્રોજેક્ટ માટે સાઉથ કેરોલિના સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, રિક્લેન્ડ કાઉન્ટી, ડૉમિનિયન એનર્જી, ફર્સ્ટ સિટિઝન્સ બેંક અને એસસી કોમ્યુનિટી લોન ફંડ જેવી નામાંકિત સંસ્થાઓએ પણ સાથ આપ્યો છે.
આજના સમયમાં સાઉથ કેરોલિનામાં હાઉસિંગ મોંઘું થવું એક મોટો પ્રશ્ન બની ગયો છે, જ્યાં લગભગ અડધાથી વધુ રેન્ટર્સ પોતાની કમાણીના 30 ટકાથી વધુ રકમ માત્ર ભાડા પાછળ ખર્ચી નાખે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને હોમલેસ નો મોર સંસ્થા દ્વારા જુદી જુદી આવક મર્યાદા (30 થી 80 ટકા મિડિયન ઇન્કમ) ધરાવતા લોકો માટે આ યુનિટ્સ ફાળવવાનું નક્કી કરાયું છે, જેથી દરેક વર્ગના લોકોને પરવડે તેવા ભાવે ઘર મળી રહે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટમાં બાળકો માટે આફ્ટર-સ્કૂલ એક્ટિવિટીઝ અને મેન્ટરિંગ પ્રોગ્રામ ચલાવવા માટે જેમ્સ ઇ ક્રિસ્ટોફર કોમ્યુનિટી સેન્ટર પણ બનાવવામાં આવશે. 30 મકાનોનું આ કામ 12 મહિનામાં અને કોમ્યુનિટી સેન્ટરનું કામ બીજા 4 થી 6 મહિનામાં પૂરું થઈ જશે, જેનાથી આ વિસ્તારના રહેવાસીઓને ખૂબ મોટો ફાયદો થશે.
