સુરતમાં સાયબર ગુનેગારો દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને કંગાળ કરી નાખવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં વધુ એક અત્યંત ચકચારી ઘટના અડાજણ વિસ્તારમાંથી સામે આવી છે. અહીં રહેતી એક મહિલાને સાયબર માફિયાઓએ સતત 21 દિવસ સુધી વિડિયો અને ઓડિયો કોલ પર વર્ચ્યુઅલી નજરકેદ રાખી હતી. ઠગોએ મહિલાને ડરાવવા માટે નાસિક પોલીસ, મુંબઈ પોલીસ, ED, RBI, NIA અને સુપ્રીમ કોર્ટના નામના બોગસ લેટરો તેમજ અધિકારીઓના ખોટા ઓળખકાર્ડ મોકલ્યા હતા. આ મામલે ભારે માનસિક ત્રાસ સહન કર્યા બાદ આખરે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં પીડિત મહિલાએ સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
આ ભયાનક ષડયંત્રની શરૂઆત ઠગો દ્વારા મહિલાના આધાર કાર્ડ કે બેંક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ અને ડ્રગ્સ ટ્રાફિકિંગ જેવા ગંભીર ગુનાઓમાં થયો હોવાનો ખોટો દાવો કરીને કરવામાં આવી હતી. ઠગોએ "આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે અને જો પરિવારના કોઈ સભ્યને વાત કરી તો આખો પરિવાર જેલમાં જશે" તેવી ધમકી આપીને મહિલા પર સતત 21 દિવસ સુધી કેમેરા સામે હાજર રહેવાનું દબાણ બનાવ્યું હતું. આ ડરના માહોલમાં સાયબર માફિયાઓએ મહિલાના બેંક ખાતામાં રહેલી તમામ ફિક્સ ડિપોઝિટ અકાળે તોડાવી દીધી હતી અને તેમની પાસે રહેલું સોનું ખાનગી પેઢીમાં ગીરવે મુકાવી ગોલ્ડ લોન પણ લેવડાવી હતી. આમ તબક્કાવાર રીતે કુલ 73 લાખ રૂપિયા ઠગોએ પોતાના બોગસ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને બાદમાં અચાનક ફોન બંધ કરી દીધા હતા.
સમગ્ર ઘટના બાદ પીડિત મહિલાએ હિંમત ભેગી કરીને પરિવારને વાત કરી હતી અને સુરત સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરીને નાણાં મેળવનાર શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. આ કૌભાંડ પાછળ કોઈ મોટી આંતરરાજ્ય ગેંગ સક્રિય હોવાની પ્રબળ આશંકા છે, જેને પગલે પોલીસે કોલ ડિટેઇલ્સ, આઈપી એડ્રેસ અને બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેઇલના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
