JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પે ₹72,000 થશે? 6% ઇન્ક્રિમેન્ટની માંગથી પગારમાં થશે મોટો વધારો

Oct 28, 2026 | 09:15 | By JAMNAGAR MIRROR
સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પે ₹72,000 થશે? 6% ઇન્ક્રિમેન્ટની માંગથી પગારમાં થશે મોટો વધારો
8મા પગાર પંચ સમક્ષ કર્મચારી સંગઠનોએ લઘુત્તમ બેઝિક પે ₹69,000થી ₹72,000 કરવાની અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 3%થી વધારીને 6% કરવાની માંગ કરી છે. આ પ્રસ્તાવ મંજૂર થવાથી માસિક પગારની સાથે DA, HRA અને નિવૃત્તિના લાભોમાં પણ મોટો વધારો થઈ શકે છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આગામી સમયમાં પગાર બાબતે મોટા સારા સમાચાર સામે આવી શકે છે, કારણ કે કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ સમક્ષ લઘુત્તમ બેઝિક પે ₹69,000થી ₹72,000 સુધી લઈ જવાનો જોરદાર પ્રસ્તાવ મૂક્યો છે. નેશનલ કાઉન્સિલ–જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) સ્ટાફ સાઇડએ લઘુત્તમ બેઝિક પે ₹69,000 અને 3.833 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, જ્યારે ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ (BPMS) દ્વારા વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ₹72,000 બેઝિક પે અને 4 ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બંને સંગઠનોએ વર્તમાન વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો દર 3%થી વધારીને સીધો 6% કરવાની પણ માંગ કરી છે, જેથી કર્મચારીઓને મોંઘવારી સામે લડવામાં મોટી રાહત મળી શકે. જોકે, આ તમામ આંકડા હાલ માત્ર પ્રસ્તાવના સ્વરૂપમાં છે અને 8મા પગાર પંચ દ્વારા તેને હજુ સુધી અંતિમ મંજૂરી આપવામાં આવી નથી.

બેઝિક પેમાં થનારા આ સંભવિત વધારાની સીધી અસર કર્મચારીના માત્ર માસિક પગાર પર જ નહીં, પરંતુ મોંઘવારી ભથ્થા (DA), મકાન ભાડા ભથ્થા (HRA) અને નિવૃત્તિ બાદ મળતા પેન્શન, ગ્રેચ્યુઇટી તથા લીવ એન્કેશમેન્ટ જેવા લાભો પર પણ પડે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો બેઝિક પે ₹50,000 હોય તો 3% લેખે વાર્ષિક ઇન્ક્રિમેન્ટ ₹1,500 થાય છે, જ્યારે ₹70,000 બેઝિક પે ધરાવતા કર્મચારીને દર વર્ષે ₹2,100 એટલે કે ₹600 વધુ ઇન્ક્રિમેન્ટનો ફાયદો મળે છે. આ જ કારણ છે કે સમય જતાં બેઝિક પેનો આ તફાવત કર્મચારીઓના કુલ પગારમાં મોટો ફેરફાર લાવી દે છે. ગત 3 નવેમ્બર 2025ના રોજ રચાયેલા 8મા પગાર પંચ દ્વારા મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોમાં કર્મચારી સંગઠનો સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જ્યાં પંચે 18 મહિનાની સમયમર્યાદામાં પોતાનો અહેવાલ સોંપવાનો રહેશે.

આ સમગ્ર મામલે પંચનો અંતિમ અહેવાલ મે થી જૂન 2027ની આસપાસ બહાર આવવાની પૂરી શક્યતા છે, અને ત્યારબાદ જ સરકાર દ્વારા આ ભલામણો પર આખરી મહોર મારવામાં આવશે. હાલ તો દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને સંગઠનો નવા પગાર ધોરણો, ભથ્થાં અને પેન્શનમાં થનારા સુધારા અંગે પંચના નિર્ણયોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પંચની ભલામણો સ્વીકારાયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે કર્મચારીઓના હાથમાં દર મહિને કેટલી રકમ આવશે, પરંતુ આ માંગણીઓથી સરકારી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

LATEST ARTICLES