JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

બંગાળની ખાડીમાં સર્જાયેલું અર્નબ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવા તૈયાર, 89 હજાર લોકોનું સ્થળાંતર

Oct 27, 2026 | 16:55 | By JAMNAGAR MIRROR
બંગાળની ખાડીમાં સર્જાયેલું અર્નબ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવા તૈયાર, 89 હજાર લોકોનું સ્થળાંતર
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું અર્નબ ચક્રવાત વધુ પ્રચંડ બન્યું છે અને આવતીકાલે તા. 28 ઓક્ટોબર, બુધવારે સવારે તે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરશે. આ ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા 89 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ વધુ મજબૂત બનીને અત્યંત પ્રચંડ ચક્રવાતી વાવાઝોડું બની ગઈ છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આ અર્નબ વાવાઝોડું તા. 28 ઓક્ટોબર, બુધવારે સવારે આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકવાની પૂરી સંભાવના છે. આ વાવાઝોડાના લેન્ડફોલ સમયે પવનની સતત ગતિ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને પવનના તોફાની ઝાપટા 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ ગંભીર સ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં આશરે 89 હજાર નાગરિકોને સલામત સ્થળોએ ખસેડવાની મોટી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વાવાઝોડાની ગંભીરતાને કારણે સાવચેતીના ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત, સંભવિત અસરોને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ખાસ ટીમોને ગ્રાઉન્ડ પર તૈનાત કરી દેવાઈ છે તથા જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરીને સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.

આ વાવાઝોડાની અસર માત્ર આંધ્રપ્રદેશ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ લેન્ડફોલ બાદ ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ અને પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. માછીમારોને તા. 29 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના એંધાણ વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવા અને સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

LATEST ARTICLES