મંગળવારથી શરૂ થયેલી 29મી એનર્જી ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન મીટ દરમિયાન યુનિયન પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સ્પષ્ટતા કરી હતી કે ભારત પર રશિયન ઓઈલ ખરીદી બંધ કરવા માટે કોઈ વિદેશી દબાણ નથી. તેમણે જણાવ્યું હતું કે નેગોશિએશનના સમયે જે પણ સપ્લાયર શ્રેષ્ઠ ગ્રેડ અને સ્પર્ધાત્મક ભાવ આપશે, તેની પાસેથી જ ઓઈલ ખરીદવામાં આવશે. વૈશ્વિક બજારમાં રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશો દ્વારા મોસ્કોની ઓઈલ આવક ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને બે રશિયન કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઈલ પર પ્રતિબંધો પણ મુકાયા છે, છતાં ભારત તેના વ્યાપારિક હિતો મુજબ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે ભારત કોઈ એક દેશ પર નિર્ભર રહેવાને બદલે એનર્જી સોર્સનું ડાઇવર્સિફિકેશન કરી ચૂક્યું છે. ખરીદદારો UAE સહિતના અન્ય સપ્લાયર્સ પાસેથી પણ ઓઈલ મેળવી શકે છે અને સાઉદી અરેબિયા સહિતના સ્થળોએ મોટા રોકાણો પણ કરવામાં આવ્યા છે. વૈશ્વિક બજારની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય સ્થિતિ વચ્ચે ભારત જેવા મોટા એનર્જી કન્ઝ્યુમિંગ દેશ માટે એનર્જી સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરી શકાય તેમ નથી. ઓઈલ ખરીદીના નિર્ણયો સંપૂર્ણપણે કોમર્શિયલ વિચારણાઓ અને સપ્લાયની સ્થિતિ પર આધારિત હોય છે.
આ સમગ્ર નીતિનો હેતુ દેશના ગ્રાહકો અને અર્થતંત્ર માટે સસ્તો અને ભરોસાપાત્ર પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. હરદીપ પુરીએ સવાલ કર્યો હતો કે ભારતની ઓઈલ ખરીદીને બાહ્ય દબાણના ચશ્માથી કેમ જોવામાં આવે છે? ભારત ભવિષ્યમાં પણ કોઈપણ બાહ્ય દબાણને ન ગણકારતા માત્ર સપ્લાયર્સ દ્વારા અપાતા શ્રેષ્ઠ રેટ્સ અને વેપારી શરતોને જ પ્રાથમિકતા આપશે, જેથી દેશના હિતોનું હંમેશા રક્ષણ થઈ શકે.
