ગુવાહાટીની એક હોટેલમાં પ્રોપર્ટીના સામાન્ય વિવાદે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે તેણે પાંચ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. આ હત્યાકાંડનો એક રૂંવાડા ઉભા કરી દે તેવો વિડિયો સામે આવ્યો છે, જેમાં એક શખ્સ હોટેલ જેવી જગ્યાએ ઘૂસીને સામેવાળા વ્યક્તિ પર પોઈન્ટ-બ્લેન્ક રેન્જ એટલે કે એકદમ નજીકથી ગોળીબાર કરતો સ્પષ્ટ નજરે પડે છે. આ માસ મર્ડરની ઘટના બાદ આસામ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી ઘનકાંતા ગોગોઈની ધરપકડ કરીને તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને ગુનામાં વપરાયેલી બંદૂક પણ જપ્ત કરી લીધી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ લોહિયાળ ઘટના હોટેલના માલિક અને તેને લીઝ પર લેનાર વ્યક્તિ વચ્ચેના ઝઘડાને કારણે થઈ હતી. મૃતકોની ઓળખ હોટેલના માલિક હેલેના ભરાલી, તેમના પુત્ર દેવર્ષિ કશ્યપ, દેવર્ષિની પત્ની રિનિકા કશ્યપ, પરિવારના સબંધી નારાયણ દાસ અને હેલેનાના ભાઈ ભુદેવ ભરાલી તરીકે થઈ છે. હોટેલના માલિકોએ 10 સપ્ટેમ્બર 2025ના રોજ આરોપી સાથે દર મહિને આશરે 1.8 લાખ રૂપિયાના ભાડા પર 5 વર્ષનો લીઝ કરાર કર્યો હતો. આરોપી દ્વારા પ્રોપર્ટીનું રેનોવેશન કરવામાં આવ્યા બાદ જગ્યાના ઉપયોગ અને સુવિધાઓ બાબતે મતભેદો શરૂ થયા હતા. આ મુદ્દાઓ ઉકેલવા માટે 26 ઓક્ટોબર 2026ના રોજ હોટેલમાં મીટિંગ યોજાઈ હતી, પરંતુ મીટિંગ શરૂ થાય તે પહેલા જ બોલાચાલી વધતા આરોપીએ છ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. વિડિયોમાં ખભાના પાછળના ભાગે ગોળી વાગવાથી નીચે પડી જતો દેખાતો 43 વર્ષીય સત્યેન્દ્ર પાઠક ચમત્કારિક રીતે બચી ગયો છે, પરંતુ તેની હાલત અત્યંત નાજુક છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અંકુર જૈનના નેતૃત્વમાં એસઆઈટી તપાસ કરી રહી છે, જેમાં ફોરેન્સિક એવિડન્સ, સાક્ષીઓના નિવેદનો અને ફાયરિંગના સંજોગોની ચકાસણી થઈ રહી છે. સીઆઈડી અને એફએસએલની ટીમોએ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને સ્થળ પરથી .32 કેલિબરના ખાલી તથા જીવંત કારતુસ મળી આવ્યા છે. આ દુર્ઘટના બાદ રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અને સ્ટેટ કોંગ્રેસ પ્રમુખ તથા જોરહાટના સાંસદ ગૌરવ ગોગોઈએ ગુવાહાટીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર હિમંતા બિસ્વા સરમાએ આ માеે જવાબદારી સ્વીકારવી પડશે અને વધતા ક્રાઈમ પર કડક નજર રાખવી પડશે.
