ગુજરાતમાં પોલીસ તંત્ર દ્વારા દમન ગુજારવામાં આવતું હોવાના અને વિપક્ષી નેતાઓ સામે પક્ષપાતી વલણ રાખીને ખોટા કેસો કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે આવેલું પોલીસ ભવન ધમધમતું કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીની આગેવાનીમાં સેંકડો કાર્યકરો અને દિગ્ગજ નેતાઓએ ડીજીપી કચેરી સુધી કૂચ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી સહિતના અનેક ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહીને પોલીસ વહીવટ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં પોલીસ તંત્ર ભાજપના ઇશારે નિષ્પક્ષતા છોડીને કામ કરી રહ્યું છે. તાજેતરની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-4ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારને પ્રચારના અંતિમ દિવસે ખોટી રીતે અટકમાં લેવાયા હતા અને તેમને છોડાવવા ગયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા સૂર્યસિંહ ડાભી સામે પણ ગુના નોંધી દેવાયા હતા. આ ઉપરાંત પાટણમાં રાહુલ ગાંધીની તસવીર પર શાહી છાંટવાના વિવાદમાં મહિલા નેતાઓ સામે કાર્યવાહી કરાઈ હોવા અને વીઆઈપી મુલાકાતો વખતે કોંગ્રેસના નેતાઓને અકારણ નજરકેદ કે અટકાયતમાં લેવાતા હોવાના મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા હતા. ગાંધીનગરના ખોરજ ગામમાં આશરે રૂ. 150 કરોડની કિંમતની જમીન માત્ર રૂ. 1 કરોડમાં લખાવી લેવાના કથિત પ્રકરણમાં રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ અને અડાલજ પોલીસ સ્ટેશનના પી.આઈ. દેસાઈ સહિતના અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાવી તપાસની માંગ કરાઈ હતી.
આવેદનપત્રના અંતમાં કોંગ્રેસે પોલીસ તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણીઓ મૂકી છે કે વિપક્ષી નેતાઓ સામે નોંધાયેલા તમામ ખોટા કેસો તુરંત રદ કરવામાં આવે, વિરોધ પ્રદર્શનોની મંજૂરી આપવામાં થતો રાજકીય ભેદભાવ બંધ થાય અને જમીન કૌભાંડોમાં સંડોવાયેલા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. સોશિયલ મીડિયા પર સક્રિય યુવાનો અને યુટ્યુબર્સના એકાઉન્ટ બંધ કરવાની ઘટનાઓ પાછળના કાયદાકીય આધાર પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો પોલીસ તંત્ર દ્વારા નિષ્પક્ષ કામગીરી નહીં થાય તો આગામી દિવસોમાં જનતાને સાથે રાખીને રાજ્યવ્યાપી આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.
