JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

‘ઉડતા રાજકોટ’: એક જ દિવસમાં પોલીસે ત્રણ અલગ-અલગ જગ્યાએથી ઝડપ્યો 28.68 લાખનો ગાંજો

Oct 27, 2026 | 17:55 | By JAMNAGAR MIRROR
‘ઉડતા રાજકોટ’: એક જ દિવસમાં પોલીસે ત્રણ અલગ-અલગ જગ્યાએથી ઝડપ્યો 28.68 લાખનો ગાંજો
રાજકોટમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલતા અભિયાન વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં એસઓજી, રેલવે પોલીસ અને પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરીને મહિલા સહિત ચાર શખ્સોને પકડી પાડ્યા છે. વિદેશી હાઇબ્રિડ ગાંજાથી લઈને ટ્રેન મારફતે આવતા જથ્થાનો પર્દાફાશ થતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસે 'સે નો ટુ ડ્રગ્સ' અભિયાન અંતર્ગત અત્યંત કડક પગલાં લીધા છે. ત્યારે રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સ્થળોએથી પોલીસે કુલ 28.68 લાખ રૂપિયાનો હાઇબ્રિડ સહિતનો ગાંજો ઝડપી લીધો છે. રાજકોટ એસઓજી, રેલવે પોલીસ અને પ્ર.નગર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને મહિલા સહિત ચાર શખ્સોને પોલીસના સકંજામાં લીધા છે.

પ્રથમ મોટી કાર્યવાહીમાં એસઓજીની ટીમે રૈયા રોડ પર આવેલા ગિરીરાજ એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને પૂજાબેન સાગરભાઈ ભટ્ટ નામની કુખ્યાત મહિલાના ઘરેથી અંદાજે 23,80,000 રૂપિયાની કિંમતનો 680 ગ્રામ વિદેશી હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો. આ રેકેટમાં નામચીન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા દવેનો ભાઈ ગૌતમ વસંતભાઈ દવે આ ગાંજો લાવ્યો હોવાનું ખૂલતા પોલીસ તેને શોધી રહી છે. બીજી તરફ, રાજકોટ રેલવે સ્ટેશન પર અમદાવાદથી ટ્રેનમાં ગાંજો લઈને આવેલા બિહારના શૈલેન્દ્રકુમાર કુશવાહા અને ડિલિવરી લેવા આવેલા મોરબીના રિક્ષાચાલક આરિફ આલમશાહ સાયદને ઝડપીને પોલીસે 4.87 લાખ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રીજા બનાવમાં સદર બજાર વિસ્તારમાં ઝઘડાની અદાવતમાં પોલીસ બોલાવનાર કમલેશ લક્ષ્મણ પોપટ નામના શખ્સ પાસેથી 51,793 રૂપિયાની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો, જેને આ જથ્થો 150 ફૂટ રીંગ રોડ પર રહેતા દેવેન મનોજ પંતે આપ્યો હોવાની કબૂલાત કરી છે.

પોલીસની આ સઘન અને આક્રમક કાર્યવાહીથી રાજકોટમાં નશાનો કારોબાર ચલાવતા પેડલરો અનેબુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મુખ્ય સપ્લાયરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે.

LATEST ARTICLES