JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જંગી આવક, માત્ર મગફળી જ 65000 મણ ઠલવાઈ

Oct 27, 2026 | 17:52 | By JAMNAGAR MIRROR
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જંગી આવક, માત્ર મગફળી જ 65000 મણ ઠલવાઈ
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તા. 27/10/2026ના રોજ જણસીઓની ભારે ભીડ જોવા મળી હતી અને સવારથી જ 900થી વધુ વાહનોની લાંબી કતારો લાગી હતી. યાર્ડમાં રેકોર્ડબ્રેક 65000 મણ મગફળીની આવક થવાની સાથે કપાસ અને વિવિધ મસાલા પાકો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા. ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહ્યા હોવાથી ઉત્સાહનો માહોલ છે અને કોઈ ટ્રાફિક કે અવ્યવસ્થા ન થાય તે માટે યાર્ડના સત્તાધીશોએ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી.

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ધમધમતા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે તા. 27/10/2026, મંગળવારના રોજ વિવિધ જણસીઓની જંગી આવક નોંધાતા ચારેય બાજુ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તારીખ 27/10/2026ના રોજ સવારથી જ માર્કેટયાર્ડ બહાર ખેડૂતોના ટ્રેક્ટરો અને ટ્રકો સહિતના અંદાજે 900 થી વધુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આજના દિવસે ઘઉં, ચણા, એરંડા, કપાસ, કલોંજી, તુવેર, મગફળી, વટાણા, મેથી, જીરું, ધાણા, લસણ, સફેદ તલ અને કાળા તલ સહિતની અસંખ્ય જણસીઓ લઈને મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા, જેને કારણે વેપારીઓ અને યાર્ડમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો.

આજના દિવસની ખાસિયતની વાત કરીએ તો યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી વધુ આવક મગફળીની રહી હતી, જેમાં એક જ દિવસમાં અંદાજે 65,000 મણ મગફળી ઠલવાઈ હતી અને તેની સાથે સિંગફાડા અથવા દાણાની આવક પણ 12,500 મણ જેટલી નોંધાઈ હતી. મગફળી ઉપરાંત કપાસની સીઝન શરૂૂ થતા આજે કપાસની પણ 9,000 મણ આવક થઈ હતી, જ્યારે તલની વાત કરીએ તો સફેદ તલની 9,100 મણ અને કાળા તલની 2,300 મણ આવક નોંધાઈ હતી. મસાલા પાકોમાં જીરુંની 5,600 મણ, કલોંજીની 1,300 મણ અને ધાણાની પણ સારી આવક રહી હતી, જ્યારે અન્ય જણસીઓમાં ઘઉંની 4,500 મણ, ચણાની 4,200 મણ, લસણની 3,000 મણ અને વટાણાની 2,800 મણ આવક થવા પામી હતી જોકે સોયાબીનની આવક આજે તદ્દન નહિવત્ એટલે કે નીલ રહી હતી.

એકસાથે હજારો વાહનો અને લાખો મણ જણસીઓની આવકને કારણે કોઈ ટ્રાફિક કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઈસ ચેરમેન તેમજ તમામ ડિરેક્ટરઓ અને સ્ટાફ દ્વારા અગાઉથી જ ખૂબ જ સચોટ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વાહનોને સાવધાનીપૂર્વક ક્રમવાર પ્રવેશ આપીને શાંતિપૂર્ણ માહોલમાં માલની ઉતરાઈ કરાવવામાં આવી હતી જેથી દૂર-દૂરથી આવેલા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે. હાલમાં ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળી રહ્યા હોવાથી તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ વર્તાઈ રહી છે અને આગામી દિવસોમાં પણ યાર્ડમાં આવકનો આ પ્રવાહ જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે.

LATEST ARTICLES