JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

સુરતમાં ભેળસેળિયાઓ પર કડક કાર્યવાહીની માંગ, ધારાસભ્ય કિશોર કાનાણીએ સરકારને લખ્યો પત્ર

Oct 27, 2026 | 15:50 | By JAMNAGAR MIRROR
સુરતમાં ભેળસેળિયાઓ પર કડક કાર્યવાહીની માંગ, ધારાસભ્ય કિશોર કાનાણીએ સરકારને લખ્યો પત્ર
સુરતના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્ય આરોગ્ય મંત્રીને પત્ર પાઠવીને નકલી દવાઓ અને ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભેળસેળિયાઓ સામે માનવ વધનો ગુનો નોંધવા અને ભ્રષ્ટ અધિકારીઓને નોકરીમાંથી કાયમી ડિસમિસ કરવાની માંગ ઉઠાવી છે.

સુરતના જાણીતા ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને એક ગંભીર પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે રાજ્યના આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી સામે ખુલ્લા સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે કાગળ પર નિયમિત ચેકિંગના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં નકલી ડોક્ટર, બનાવટી દવાઓ અને દૂધ, ઘી તથા મસાલામાં ખુલ્લેઆમ ઝેરી ભેળસેળ ચાલી રહી છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી તપાસ માત્ર એક દેખાડો અને નાટક સમાન બની રહી છે, જેના કારણે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા છે.

ધારાસભ્યએ પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે તહેવારોની સિઝનમાં લોકો મીઠાઈ અને ફરસાણ ખાઈને પૂરું પણ કરી દે છે, અને ત્યારબાદ લેબોરેટરીના નમૂનાના રિપોર્ટ્સ બહાર આવે છે, જેનો કોઈ અર્થ સરતો નથી. આટલું જ નહીં, વહીવટી તંત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની માત્ર બદલી કરવાથી કે તેમને સસ્પેન્ડ કરવાથી આ દૂષણ નાબૂદ નહીં થાય. આવા મેલી ઘેલાવાળા તત્વોને દાખલો બેસાડવા માટે સરકારી સેવામાંથી કાયમી ધોરણે ડિસમિસ કરવા અત્યંત જરૂરી છે.

લોકોના જીવનની સુરક્ષા માટે હવે સરકારે કડક પગલાં લેવાનો સમય આવી ગયો છે તેવી માંગણી સાથે કાનાણીએ રજૂઆત કરી છે કે નિર્દોષ નાગરિકોની જિંદગી સાથે રમત રમતા નકલી દવાઓ અને ખાદ્યપદાર્થોના ભેળસેળિયા માફિયાઓ સામે સીધો 'માનવ વધ'નો ગુનો નોંધી શકાય તેવો નવો અને કઠોર કાયદો લાવવો જોઈએ. જો આ દિશામાં તાત્કાલિક નક્કર કાયદાકીય કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો જનતાના જીવ બચાવવાની આ લડાઈ જીતી શકાશે નહીં અને તંત્રની લાપરવાહી સામે રોષ વધતો રહેશે.

LATEST ARTICLES