JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે ફટાકડા બજારની મંજૂરી સામે ઉઠ્યા સવાલ, સુરક્ષાને લઈને વિવાદ

Oct 27, 2026 | 17:00 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે ફટાકડા બજારની મંજૂરી સામે ઉઠ્યા સવાલ, સુરક્ષાને લઈને વિવાદ
દિવાળી પહેલાં અમદાવાદના રાયપુર દરવાજા વિસ્તારમાં રહેણાંક મકાનો વચ્ચે ફટાકડાની દુકાનો શરૂ કરવા સામે AMCની સામાન્ય સભામાં ભારે વિરોધ નોંધાયો છે. સાંકડા રસ્તાઓ અને આગના જોખમને ધ્યાનમાં રાખીને કોર્પોરેટરે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે તંત્રએ BU પરમિશન અને કાયદેસરની કાર્યવાહીની સ્પષ્ટતા કરી છે.

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ફટાકડા બજારની દુકાનોને આપવામાં આવેલી મંજૂરીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. AMCની સામાન્ય સભામાં ખાડિયાના કોર્પોરેટર બિરજુ બેને રાયપુર દરવાજા પાસે આવેલી ફટાકડાની દુકાનો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સીધો પ્રશ્ન કર્યો હતો કે ભીડભાડવાળા અને રહેણાંક મકાનોની વચ્ચે ફટાકડા જેવી જ્વલનશીલ ચીજવસ્તુઓની દુકાનોને મંજૂરી આપી કઈ રીતે શકાય? આ વિસ્તારના રસ્તાઓ ખૂબ સાંકડા હોવાથી જો કોઈ આગ જેવી મોટી દુર્ઘટના સર્જાય તો ફાયર વિભાગની ગાડીઓ કે રેસ્ક્યુ ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી શકે તેમ નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા સામે મોટું જોખમ ઉભું થયું છે.

આ અગાઉ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ આ જ વિસ્તારની દુકાનો સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવી હતી, તેમ છતાં ફરીથી મંજૂરી કેમ અપાઈ તે ચર્ચાનો વિષય બન્યો છે. કોર્પોરેટરે મંજૂરી આપવાની પ્રક્રિયા અને તેના આધાર સામે શંકા વ્યક્ત કરી હતી કે શું ખરેખર અહીં સુરક્ષાનાં તમામ નિયમોનું યોગ્ય પાલન થઈ રહ્યું છે કે નહીં. તહેવારોની સિઝનમાં ફટાકડા ખરીદવા માટે ભારે ભીડ ઉમટતી હોય છે, ત્યારે સાંકડા માર્ગો પર અફરાતફરી મચે અથવા અકસ્માત થાય તો મોટી હોનારત સર્જાઈ શકે છે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

આ સમગ્ર વિવાદ વધ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે મામલો થાળે પાડવા સ્પષ્ટતા કરી હતી કે અગાઉ તપાસ દરમિયાન આ દુકાનો પાસે BU પરમિશન ન હોવાને કારણે જ તેમને સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ વેપારીઓએ જરૂરી કાયદેસરની મંજૂરીઓ મેળવી લેતા તેમને દુકાનો ફરી ખોલવાની છૂટ આપવામાં આવી છે. જોકે, તેમણે એમ પણ ખાતરી આપી હતી કે જો તપાસમાં કોઈ પણ દુકાન ગેરકાયદે રીતે ધમધમતી હોવાનું બહાર આવશે તો તંત્ર દ્વારા ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો દિવાળી ટાણે ફટાકડા બજારની આસપાસના લોકોની સલામતી અને નિયમોના પાલનને લઈને ભારે દોડધામ મચી છે.

LATEST ARTICLES