અમદાવાદ શહેરના પોશ વિસ્તારો ગણાતા સેટેલાઇટ અને બોડકદેવ વિસ્તારમાં શનિવારે સવારે ભારે નાસભાગ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે અચાનક શહેરની 8 પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી હતી. અજાણ્યા શખ્સે વિદ્યા ભારતી, સી.એન. વિદ્યાલય, નારાયણ ગુરુ સ્કૂલ અને ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતના શૈક્ષણિક સંકુલોના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર આ ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. સવાર-સવારમાં આ પ્રકારની માહિતી સામે આવતા જ શાળા સંચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને તુરંત જ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા પ્રશાસને કોઈ પણ જોખમ લીધા વિના તકેદારીના ભાગરૂપે તાત્કાલિક આખી સ્કૂલ ખાલી કરાવવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી હોવાથી સ્કૂલ બિલ્ડિંગમાં જ ભણતા બાળકોને વહેલી રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ સ્કૂલ સંચાલકો દ્વારા તાકીદે વાલીઓને ફોન અને મેસેજ કરીને પોતાના બાળકોને સુરક્ષિત રીતે ઘરે લઈ જવા માટે સ્કૂલ પરિસરમાં બોલાવી લેવામાં આવ્યા હતા. બીજી બાજુ, સ્થાનિક પોલીસનો કાફલો, સેક્ટર અધિકારીઓ, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડનીટીમો ગણતરીની મિનિટોમાં જ ધમકીવાળી શાળાઓ પર દોડી ગઈ હતી.
સુરક્ષા એજન્સીઓની આખી ટીમે શાળાઓના વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ, હોલ અને પાર્કિંગ એરિયા સહિતના સમગ્ર પરિસરને પોતાના કબજામાં લઈને બારીકાઈથી ચેકિંગ હાથ ધર્યું હતું. અગાઉ પણ ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં આ પ્રકારે શાળાઓને ફાઝ્લ કે ખોટી ધમકીઓ મળવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેને કારણે આ વખતે પણ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી. હાલમાં સાયબર ક્રાઈમની મદદથી આ ધમકીભર્યો ઈમેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તેની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ ડર ફેલાવનાર અસામાજિક તત્વ સુધી પહોંચીને કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય.
