JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ગુવાહાટીના હોટેલમાં લોહીયાળ જ્વાળાઓ: ભાડાના વિવાદમાં લિઝહોલ્ડરે 5 લોકોની કરી હત્યા

Oct 27, 2026 | 17:00 | By JAMNAGAR MIRROR
ગુવાહાટીના હોટેલમાં લોહીયાળ જ્વાળાઓ: ભાડાના વિવાદમાં લિઝહોલ્ડરે 5 લોકોની કરી હત્યા
આસામના ગુવાહાટીમાં જીએસ રોડ પર આવેલી હોટેલ બિલાસ ઇનમાં સોમવારે રાત્રે ભાડાના વિવાદને લઈને ફાયરિંગની મોટી ઘટના બની હતી. આ ખૂની ખેલમાં હોટેલના કો-ઓનર સહિત 5 લોકોના મોત થયા છે જ્યારે 1 વ્યક્તિ ઘાયલ થઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી લિઝહોલ્ડરની ધરપકડ કરી લીધી છે.

સોમવારે રાત્રે આસામના ગુવાહાટીમાં જીએસ રોડ પર બોરા સર્વિસ સામે આવેલી હોટેલ બિલાસ ઇનમાં એક ગોઝારી ઘટના બની હતી. આસામ પોલીસ હેડક્વાર્ટરથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલી આ હોટેલમાં રાત્રે અંદાજે 9 વાગ્યે અચાનક ગોળીબારનો અવાજ ગુંજી ઉઠ્યો હતો. હોટેલના લીઝ એગ્રીમેન્ટ એટલે કે ભાડાના કરારને લઈને ચાલી રહેલા વિવાદે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે લિઝહોલ્ડરે લોહીયાળ ખેલ રમી નાખ્યો. આ ભયાનક ફાયરિંગમાં હોટેલના કો-ઓનર, તેમનો દીકરો અને પુત્રવધૂ, ભાઈ તેમજ હોટેલના કેરટેકર સહિત કુલ 5 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં 4 લોકો એક જ પરિવારના હતા, જ્યારે પાંચમો શખ્સ તેમના જ ગામનો વતની હતો.

ગુવાહાટી પોલીસ કમિશનર પાર્થ સારથી મહાંતાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ હોટેલના લીઝ એગ્રીમેન્ટને લગતો પ્રોપર્ટી વિવાદ હોવાનું સામે આવ્યું છે. આરોપી ઘનાકાંતા ગોગોઈએ આ હોટેલ અંદાજે 1 વર્ષ પહેલા લીઝ પર લીધી હતી. સોમવારે રાત્રે થયેલા આ અંધાધૂંધ ફાયરિંગમાં કુલ 6 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 5 લોકોનાં ઘટનાસ્થળે કે હોટેલ લઈ જતી વખતે મોત થયા હતા. મૃતકોમાં હેલેના ભરાલી, દેબોર્ષિ કશ્યપ અને નારાયણ દાસની ઓળખ થઈ ગઈ છે, જ્યારે બાકીના બે મૃતકોની ઓળખ ચકાસવામાં આવી રહી છે. આ ખૂની હુમલામાં માત્ર 42 વર્ષના સત્યેન પાઠક નામના કેરટેકર જીવતા બચ્યા છે, જેમના ખાભામાં ગોળી વાગવાથી તેમને ગૌહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને ડોક્ટરના જણાવ્યા મુજબ હાલ તેમની હાલત સ્થિર છે.

ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ત્વરિત એક્શન લેતા અસામની પલટન બજાર વિસ્તારમાંથી આરોપી ઘનાકાંતા ગોગોઈને માત્ર 1 કલાકની અંદર જ ઝડપી લીધો હતો અને તેની પાસેથી ગુનામાં વપરાયેલી લાયસન્સવાળી .32-બોરની પિસ્તોલ પણ જપ્ત કરી લીધી છે. બીજી તરફ, આસામ કોંગ્રેસના ચીફ ગૌરવ ગોગોઈએ આ મામલે ઊંડી તપાસની માંગ કરી છે અને સામાન્ય જનતાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હાલ ફોરેન્સિક અને સાયન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરી રહી છે અને પોલીસ આખી ઘટનાનો ક્રમ તેમજ હત્યા પાછળના અસલી કારણો શોધવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

LATEST ARTICLES