સાઉથ આફ્રિકાના કેપ ટાઉન નજીક દરિયાકાંઠે યોજાયેલી નૌકાદળની વિવાદાસ્પદ કવાયતમાં ઈરાની યુદ્ધજહોએ ભાગ લેવા પાછળનું રહસ્ય હવે બહાર આવશે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકા, ચાઇના, રશિયા અને ઈરાનની નૌકાદળોએ આ કવાયતમાં ભાગ લીધો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સાઉથ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ ઈરાની જહોને સામેલ ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી છતાં આદેશનું ઉલ્લંઘન થયું હતું. આ સમગ્ર મામલો જાન્યુઆરી મહિનામાં એવા સમયે બન્યો હતો જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર હતો અને ઈરાનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા.
રાષ્ટ્રપતિના આદેશની અવગણના કરીને ઈરાની જહોને કવાયતમાં સામેલ કરવા પાછળ સાઉથ આફ્રિકાના લશ્કરના ઉચ્ચ અધિકારીઓ કે ડિફેન્સ મિનિસ્ટ્રીના કોઈ અધિકારીઓની ભૂમિકા છે કે કેમ, તેની તપાસ કરવા માટે પ્રમુખે ફેબ્રુઆરીમાં એક રિટાયર્ડ જજની આગેવાનીમાં તપાસ પંચ બેસાડ્યું હતું. આ તપાસ રિપોર્ટ હવે પ્રમુખ સિરિલ રામાફોસાને સોંપવામાં આવ્યો છે, પરંતુ હાલ પૂરતો તેને ગોપનીય રાખવામાં આવ્યો છે અને પ્રમુખ જાતે તેની સમીક્ષા કરી રહ્યા છે. આ કવાયત BRICS બ્લોક હેઠળ યોજાઈ હતી, જેમાં ઈરાન સહિતના દેશો સામેલ છે અને આ મુદ્દો અમેરિકાની આંખમાં કણાની જેમ ખૂંચ્યો હતો કારણ કે અમેરિકા હંમેશા BRICS સામે શંકાની નજરે જોતું આવ્યું છે.
આ ઘટનાના કારણે સાઉથ આફ્રિકા અને અમેરિકાના સંબંધોમાં મોટો તણાવ જોવા મળ્યો હતો અને અમેરિકા દ્વારા સાઉથ આફ્રિકાની વિદેશ નીતિ સામે સવાલો ઉઠાવીને તેની ટીકા કરવામાં આવી હતી. પ્રમુખ રામાફોસાએ ઈરાનને કવાયતથી દૂર રાખવાનો આદેશ એટલા માટે જ આપ્યો હતો જેથી અમેરિકા સાથે કોઈ મોટો ડિપ્લોમેટિક વિવાદ ન સર્જાય, પરંતુ તેમ છતાં આદેશ ન પળાતા આ તપાસ કરવી પડી હતી. હવે આ ગુપ્ત રિપોર્ટની સમીક્ષા બાદ પ્રમુખ કયા કડક પગલાં લે છે અને તેનાથી સાઉથ આફ્રિકાની આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર શું અસર પડે છે તે આગામી સમય જ કહેશે.
