JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
પર્યાવરણ

કોરોના કાળની મંદીમાંથી બહાર આવી ઓયસ્ટર ફાર્મિંગ ઉદ્યોગને નવજીવન, લાખો નકામા શેલફિશ બન્યા પર્યાવરણ માટે વરદાન

Oct 27, 2026 | 13:30 | By JAMNAGAR MIRROR
કોરોના કાળની મંદીમાંથી બહાર આવી ઓયસ્ટર ફાર્મિંગ ઉદ્યોગને નવજીવન, લાખો નકામા શેલફિશ બન્યા પર્યાવરણ માટે વરદાન
કોરોના મહામારી દરમિયાન રેસ્ટોરાં બંધ થવાથી કરોડો ઓયસ્ટર વેચાયા વિનાના રહી ગયા હતા. આ આર્થિક સંકટ સામે લડવા માટે શરૂ થયેલા એક ખાસ પ્રોગ્રામ દ્વારા અત્યાર સુધીમાં 7 મિલિયનથી વધુ ઓયસ્ટર ખરીદીને દરિયાઈ પર્યાવરણ સુધારવામાં અને 1,000થી વધુ નોકરીઓ બચાવવામાં મોટી સફળતા મળી છે.

કોરોના મહામારીના સમયમાં જ્યારે દુનિયાભરમાં લોકડાઉન લાગુ થયું અને રેસ્ટોરાં તેમજ હોટેલો બંધ રહી, ત્યારે સીફૂડ બિઝનેસ સાથે જોડાયેલા ખેડૂતો અને માછીમારોની હાલત કફોડી બની ગઈ હતી. ઓયસ્ટર ફાર્મર્સનો સૌથી મોટો ગ્રાહક વર્ગ રેસ્ટોરાં હોવાથી કરોડોની સંખ્યામાં ઓયસ્ટર વેચાયા વગરના જ રહી ગયા હતા, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આજીવિકાનું મોટું સંકટ ઊભું થયું હતું. આ કટોકટીમાંથી મુક્તિ મેળવવા અને આર્થિક રીતે પાયમાલ થઈ રહેલા ફાર્મર્સને ટેકો આપવા માટે સપોર્ટિંગ ઓયસ્ટર એકવાકલ્ચર એન્ડ રેસ્ટોરેશન એટલે કે SOAR પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ફાજલ અને નકામા ગણાતા ઓયસ્ટરને એક મૂલ્યવાન સંસાધનમાં બદલીને કુદરતી દરિયાઈ આવાસ અથવા હેબિટાટને રિસ્ટોર કરવાનો હતો.

મળતી માહિતી મુજબ 2020થી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 150થી વધુ ફાર્મ પાટર્નર્સ પાસેથી 7 મિલિયન એટલે કે 70 લાખથી વધુ ઓયસ્ટરની ખરીદી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 8 અલગ-અલગ રાજ્યોમાં 35 રિસ્ટોરેશન સાઇટ્સ પર ઓયસ્ટર અને તેના શેલ મોકલવામાં આવ્યા છે, જેનાથી આશરે 60 એકડથી વધુ નેટિવ ઓયસ્ટર રીફ્સને ફરીથી જીવંત કરવામાં મોટી મદદ મળી છે. આ અનોખી પહેલને કારણે માત્ર દરિયાઈ જીવસૃષ્ટિ જ સમૃદ્ધ નથી થઈ પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં 1,000થી વધુ એકવાકલ્ચર અને તેની સાથે સંકળાયેલી રોજગારીની તકો પણ સુરક્ષિત રહી છે. આ પ્રોજેક્ટના સફળ મોડેલને દુનિયાભરના અન્ય સમુદાયો પણ અપનાવી શકે તે માટે તાજેતરમાં એક હેન્ડબુક પણ બહાર પાડવામાં આવી છે.

આ યોજનાનો પ્રભાવ માત્ર આર્થિક મદદ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ દરિયાઈ પર્યાવરણ માટે પણ તે અત્યંત ફાયદાકારક સાબિત થયો છે. પુખ્ત વયના ઓયસ્ટર પાણી ગાળીને પ્રદૂષણ દૂર કરવાનું કુદરતી કામ કરે છે, જ્યારે ઓયસ્ટરની રીફ્સ માછલીઓ અને અન્ય દરિયાઈ જીવોને ખોરાક તેમજ આશ્રય પૂરો પાડે છે. આ ઉપરાંત દરિયાઈ તોફાન અને કિનારાના ધોવાણ સામે પણ આ કુદરતી દીવાલો રક્ષણ પૂરું પાડે છે. વર્ષ 2021માં શરૂ કરાયેલા શેલફિશ ગ્રોઅર્સ રિઝિલિયન્સ ફંડ દ્વારા 83 જેટલા ફાર્મર-દ્વારા સંચાલિત પ્રોજેક્ટ્સને પણ મદદ કરવામાં આવી છે. 21 રાજ્યો અને પ્યુર્ટો રિકો સુધી ફેલાયેલી આ પહેલે સાબિત કરી દીધું છે કે કેવી રીતે આર્થિક મુશ્કેલીને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના મોડેલમાં બદલી શકાય છે.

LATEST ARTICLES