અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો મંગળવારે ટેક્સાસના પોર્ટ આર્થર શહેરમાં પહોંચવાના છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વેનેઝુએલાથી આવેલું અને ટેક્સાસની રિફાઇનરીઓમાં પ્રોસેસિંગ માટે તૈયાર એવું ઓઈલ ટેન્કર દુનિયાને બતાવવાનો છે. કોંગ્રેસના એક સહાયક અને બે યુએસ અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ટ્રમ્પની આ ટેક્સાસ મુલાકાત રાજ્યમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીના પ્રચાર સાથે જ ગોઠવવામાં આવી છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.
આ મુલાકાત દરમિયાન પ્રેસિડેન્ટ ટ્રમ્પ કોર્પસ ક્રિસ્ટી અને લબબુક ખાતે યોજાનાર ચૂંટણી પ્રચાર રેલીઓને સંબોધિત કરશે. તેઓ રિપબ્લિકન પાર્ટીના સેનેટ કેન્ડિડેટ કેન પેક્સ્ટન માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેઓ ડેમોક્રેટિક કેન્ડિડેટ જેમ્સ ટાલારિકો સામે કાંટે કી ટક્કર આપી રહ્યા છે. બીજી તરફ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભૂમિકા પણ ભજવતા માર્કો રુબિયો પ્રેસિડેન્ટ સાથે આ પ્રવાસમાં જોડાયા છે, જો કે તેઓ રાજકીય ઇવેન્ટ્સમાં ભાગ લેશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. તેમ છતાં, રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ સાથે રુબિયોની પ્રચાર સફરમાં જવાની આ પહેલી જ ઘટના છે.
દેશના ટોચના ડિપ્લોમેટ એટલે કે વિદેશ મંત્રીનું આ રીતે રાજકીય પ્રવાસમાં જોડાવું એ ખૂબ જ અસામાન્ય માનવામાં આવે છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં સરકારી કામકાજ અને ચૂંટણી પ્રચાર વચ્ચેની રેખા કેવી રીતે ઝાંખી પડી રહી છે તેનું આ તાજું ઉદાહરણ છે. અગાઉ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચ પણ રિપબ્લિકન કેન્ડિડેટ્સ સાથે રેલીઓમાં દેખાઈ ચૂક્યા છે. વર્ષ 2016માં પ્રેસિડેન્ટની રેસમાં સામેલ રહેલા અને 2028 માટે પ્રબળ દાવેદાર ગણાતા માર્કો રુબિયોએ સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યા પછી પોતાની રાજકીય પ્રવૃત્તિઓ મર્યાદિત રાખી હતી, પરંતુ આ વખતનો પ્રવાસ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
