JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની પોલ ખુલી, પાઇપલાઇન લીકેજ થવાથી બે દિવસથી કાર્ગો કામગીરી ઠપ્પ

Oct 27, 2026 | 10:00 | By JAMNAGAR MIRROR
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની પોલ ખુલી, પાઇપલાઇન લીકેજ થવાથી બે દિવસથી કાર્ગો કામગીરી ઠપ્પ
રૂ. 2,654 કરોડના ખર્ચે બનેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇન લીકેજ થવાથી પાણી ફરી વળ્યા છે. છેલ્લા 2 દિવસથી કામગીરી ઠપ્પ થવા સાથે ઇલેક્ટ્રિક બોર્ડમાં પાણી પહોંચતા શોર્ટ સર્કિટની ભીતિ સર્જાઈ છે અને વેપારીઓને મોટું નુકસાન થયું છે.

રાજકોટ ખાતે કરોડો રૂપિયાના અધધ ખર્ચે તૈયાર થયેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની નબળી બાંધકામ કામગીરી સામે અત્યારે ગંભીર સવાલો ઊભા થયા છે. એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં અચાનક પાઇપલાઇનમાંથી પાણી લીક થવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર ફ્લોર પર પાણી ફરી વળ્યા છે. છેલ્લા 2 દિવસથી સતત ચાલી રહેલા આ લીકેજને કારણે કાર્ગો વિભાગની તમામ દૈનિક કામગીરી તદ્દન ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

આ ગંભીર બેદરકારીને કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ફ્લોર પર ભરાયેલું પાણી હવે સીધું મુખ્ય ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પહોંચી ગયું છે, જેથી ગમે ત્યારે મોટો શોર્ટ સર્કિટ કે આગ લાગવાની ભયાનક હોનારત સર્જાવાનો ભય છે. આ સિવાય, પાણી ભરાવાના કારણે ઈન્ડિગો એરલાઇન્સનો અંદાજે 4 ટન જેટલો મહત્વનો સામાન કાર્ગોમાં સમયસર લોડ થઈ શક્યો નહોતો. ફ્લાઇટ દ્વારા માલસામાન મોકલતા વેપારીઓનો સામાન અટવાઈ જવાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ સમગ્ર ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પાઇપલાઇનમાંથી ધોધમાર પાણી વહી રહ્યું છે અને કર્મચારીઓ લાચાર બનીને આ પાણી વચ્ચે જ કામ કરવા મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ પર આવી પ્રાથમિક અને બેદરકારીભરી ખામીના કારણે એરપોર્ટની છબી ખરડાઈ છે. આ મામલે સ્થાનિકો અને વેપારી મંડળો દ્વારા ત્વરિત ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જવાબદાર એજન્સી તેમજ એરપોર્ટ ઓથોરિટીના સબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઊઠી રહી છે.

LATEST ARTICLES