તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન એટલે કે TASMAC દ્વારા રાજ્યમાં પારદર્શિતા અને ઓપરેશનલ એફિશિયન્સી વધારવા માટે એક મોટો નિયમ બનાવવામાં આવ્યો છે. જે અનુસાર આગામી 1 નવેમ્બરથી રિટેલ લિકર સેલ માટે 1000 રૂપિયાથી વધુના બિલ પર ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી દુકાનોમાં થતા રોકડ વ્યવહારો ઘટશે અને સરકારી તિજોરીમાં સીધા નાણાં જમા થશે. હાલમાં રાજ્યભરમાં આવા પ્રકારની કુલ 4048 રિટેલ લિકર શોપ્સ ચાલી રહી છે, જ્યાં યુપીઆઈ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડના વિકલ્પો પહેલેથી જ ઉપલબ્ધ છે છતાં મોટાભાગના વ્યવહારો કેશમાં જ થતા હતા.
આ નવા નિયમ પાછળનું મુખ્ય કારણ રોજબરોજ રોકડ રકમ સંભાળવામાં પડતી મુશ્કેલીઓ અને સેફ્ટી રિસ્ક છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટી માત્રામાં કેશ હેન્ડલ કરતી વખતે કેશ ટ્રાન્ઝિટમાં જોખમ રહેતું હતું, હિસાબોમાં ગડબડ થતી હતી અને જાલી નોટોનું જોખમ પણ રહેતું હતું. આ ઉપરાંત એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલવાની ઓવરચાર્જિંગની અનેક ફરિયાદો પણ મળી હતી. આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ડિજિટલ સિસ્ટમ લાવવામાં આવી છે, જેનાથી રિયલ ટાઇમમાં દરેક ટ્રાન્ઝેક્શન લોગ થઈ શકશે અને ઓવરચાર્જિંગ અટકી શકશે. ગ્રાહકો હવે 1000 રૂપિયાથી વધુની ખરીદી માટે ફરજિયાત યુપીઆઈ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશે, જ્યારે આ રકમથી નીચેની ખરીદી માટે કેશ કે ડિજિટલ બંને વિકલ્પો ખુલ્લા રહેશે.
આ સમગ્ર સિસ્ટમનો અમલ કડકાઈથી થાય તે માટે શોપના સ્ટાફ પર વ્યક્તિગત ક્યૂઆર કોડ કે પર્સનલ બેંક એકાઉન્ટમાં પેમેન્ટ લેવા પર સખત પ્રતિબંધ મુકાયો છે અને નિયમ તોડનાર કર્મચારી સામે સખત ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે. તમામ આઉટલેટ સુપરવાઈઝરોને દરેક ખરીદી પર ફિઝિકલ બિલ આપવા અને ઓફિશિયલ પીએસ મશીન પર ટ્રાન્ઝેક્શન વેરિફાઈ થયા બાદ જ બોટલ આપવાની સૂચના અપાઈ છે. આ નિયમોની માહિતી આપતા 2x3 ફૂટના નોટિસ બોર્ડ પણ દુકાનો પર લગાવવામાં આવશે, જ્યારે ડિસ્ટ્રિક્ટ મેનેજરો નેટવર્ક કનેક્ટિવિટી અને પીએસ મશીનની ચકાસણી કરીને સાપ્તાહિક રિવ્યુ કરશે.
