ભારતની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મોટો વેગ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક જમાનામાં દેશના યુવા એન્જિનિયરોને બિઝનેસમેન બનવા માટે પ્રેરિત કરનાર આ કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓએ હવે વોલમાર્ટના ચેરમેન ગ્રેગરી પેનર અને ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિને પત્ર લખીને તેમના 10 થી 15 વર્ષ જૂના સ્ટોક ઓપ્શન્સ માટે સંપૂર્ણ એક્ઝિટ અને કેશઆઉટની માંગ કરી છે. મુકેશ બંસલ અને અંકિત નાગોરી સહિતના ઓછામાં ઓછા 8 વરિષ્ઠ પૂર્વ અધિકારીઓએ આ મામલે રજૂઆત કરી છે, પરંતુ પેરેન્ટ કંપની વોલમાર્ટ આઈપીઓ લાવવા માટે બિલકુલ ઉતાવળમાં નથી દેખાઈ રહી.
વોલમાર્ટની આ ખચકાટ પાછળ મુખ્યત્વે ચાર મોટા કારણો જવાબદાર છે. પહેલું એ કે વોલમાર્ટમાં લીડરશિપ બદલાઈ ચૂકી છે અને નવા ગ્લોબલ સીઈઓ ક્રિસ નિકોલસ આંકડાઓના પક્કા માણસ છે, જેમણે ફ્લિપકાર્ટને FY27 ના અંત સુધીમાં એટલે કે માર્ચ 2027 સુધીમાં Ebitda બ્રેકઈવન એટલે કે નુકસાનમાંથી બહાર આવીને સંતુલન મેળવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. બીજું કારણ ત્રિમાસિક પરિણામોનું ટેન્શન છે, કારણ કે લિસ્ટેડ થયા પછી ડિસ્કાઉન્ટ અને ક્વિક કોમર્સના એકેએક રૂપિયાનો હિસાબ એનાલિસ્ટ્સને આપવો પડે જ્યારે તેમનો સૌથી મોટો હરીફ એમેઝોન પ્રાઇવેટ રહે છે. ત્રીજું મોટું કારણ ફ્લિપકાર્ટનું ખોટમાં હોવું છે, જ્યાં FY26 માં કંપનીની આવક વધીને 1,45,880 કરોડ રૂપિયા થઈ હોવા છતાં ચોખ્ખી ખોટ હજુ 8,468 કરોડ રૂપિયા જેટલી ઊંચી છે. આ ઉપરાંત, મંત્રાને પણ ક્વિક કોમર્સ સર્વિસને કારણે નુકસાન ઉઠાવવું પડ્યું છે અને ફ્લિપકાર્ટ મિનિટ્સ હાલ 1,200 ડાર્ક સ્ટોર્સ ચલાવી રહી છે. ચોથું કારણ વેલ્યુએશન અને પ્રાઇસિંગનું છે, કારણ કે તાજેતરના આંતરિક બાયબેકમાં ફ્લિપકાર્ટનું મૂલ્ય 38.2 અબજ ડોલર આંકવામાં આવ્યું છે, જે 2021 ના 37.6 અબજ ડોલરની આસપાસ જ છે. ફોનપેના આઈપીઓનું ઉદાહરણ પણ વોલમાર્ટ સામે છે જેને બજારની અસ્થિરતાને કારણે મુલતવી રાખવો પડ્યો હતો.
વર્ષ 2018 માં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 16 અબજ ડોલરનું રોકાણ કરીને કંટ્રોલિંગ સ્ટેક ખરીદ્યો હતો અને ત્યારથી આ કંપની કલ્યાણ કૃષ્ણમૂર્તિના નેતૃત્વમાં ચાલી રહી છે. ફ્લિપકાર્ટ 2014 થી જ આઈપીઓની તૈયારી કરી રહી હતી પરંતુ તે સમયે બજાર આટલી મોટી ખોટ કરતી કંપનીને સ્વીકારવા તૈયાર નહોતું. જોકે હવે ઝોમાટો, નાયકા, પેટીએમ, સ્વિગી અને મીશો જેવી કંપનીઓ ભારતીય શેરબજારમાં લિસ્ટ થઈ ચૂકી છે, છતાં વોલમાર્ટને ડર છે કે ફ્લિપકાર્ટ હજુ પબ્લિક કંપની તરીકેના દબાણને ઝીલવા માટે આર્થિક રીતે સંપૂર્ણ સક્ષમ બની નથી. જ્યાં સુધી ફ્લિપકાર્ટ પોતાના આંકડાઓ સુધારીને નફાના પંથે નહીં ચડે, ત્યાં સુધી વોલમાર્ટ તેને શેરબજારમાં ઉતારવાનું જોખમ નહીં લે.
