અરુણાચલ પ્રદેશમાં મેંગા ડેમ પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકો અને સ્ટુડન્ટ્સ યુનિયનોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેનું પરિણામ સોમવારે ડાપોરિજો ટાઉનમાં જોવા મળ્યું. ઓલ ટાગિન સ્ટુડન્ટ્સ યુનિયન અને અન્ય સંગઠનો દ્વારા બોલાવાયેલા 12 કલાકના બંધ દરમિયાન માહોલ તણાવપૂર્ણ બન્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ NHPCના સાધનો, એક કંપનીની ગાડી તેમજ 2 પોલીસ વ્હીકલને નુકસાન પહોંચાડ્યું હતું. આ ગરમાગરમી અને હિંસા વચ્ચે કોન્સ્ટેબલ-ડ્રાઈવર હિબુ લાશા અને એક CRPF જવાન ઈજાગ્રસ્ત થયા છે, જેને તુરંત સારવાર માટે ઝીરો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અપર સુબાસિરીના SP પવન કુમાર યાદવે જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે શહેરમાં ફ્લેગ માર્ચ કરીને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
આ આંદોલન પાછળનું મુખ્ય કારણ 1,605 MWના પ્રસ્તાવિત સુબાસિરી અપર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હેઠળ આવતો મેંગા ડેમ છે, જેને લઈને સ્થાનિકોમાં પોતાની જમીન, આજીવિકા અને ભવિષ્ય સામે જોખમ ઊભું થવાનો ડર સતાવી રહ્યો છે. આ અગાઉ પાસીઘાટમાં પણ 11,200 MWના સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ સામે શુક્રવાર રાતથી શનિવાર સુધી વ્યાપક તોડફોડ, આગચંપી અને સિક્યોરિટી ફોર્સ સાથે ઘર્ષણની ઘટનાઓ બની ચૂકી છે. આ પ્રોજેક્ટ્સનો વિરોધ કરી રહેલા આદિ અને ટાગિન સમુદાયના લોકોનું માનવું છે કે આ ડેમો તેમની પૈતૃક જમીન અને સંસ્કૃતિને નુકસાન કરશે, તેથી તેઓ પ્રી-ફિઝિબિલિટી સર્વે તરત જ બંધ કરવાની માંગ કરી રહ્યા છે.
હાલમાં અપર સિયાંગ અને સુબાસિરી વિસ્તારમાં તણાવ યથાવત છે અને વિરોધ કરી રહેલા લોકોએ અગાઉ પકડાયેલા કાર્યકરોને છોડવાની સાથે સેન્ટ્રલ ફોર્સને હટાવવાની માંગણી કરી છે. અપર સિયાંગના DC અશોક તાજોએ જણાવ્યું છે કે સરકાર લોકોના કેસની તપાસ કરી રહી છે, પરંતુ અટકાયત કરાયેલા લોકોને છોડવા માટે કાનૂની મંજૂરીઓ જરૂરી છે. તંત્ર દ્વારા ગ્રામસ્થોને પોતાના પ્રતિનિધિઓ મોકલીને સરકાર સાથે વાતચીત શરૂ કરવા અપીલ કરવામાં આવી છે, જ્યારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શાંતિ સ્થાપાયા બાદ જ સેન્ટ્રલ ફોર્સને હટાવવા અંગે કોઈ નિર્ણય લેવાશે.
