ગ્રેટર નોઈડા ખાતે આવેલી 5.125 કિલોમીટર લાંબી પ્રખ્યાત બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર 13 વર્ષના લાંબા અંતરાલ પછી ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ ધમાકેદાર વાપસી કરી રહી છે. અગાઉ ફોર્મ્યુલા 1 ઇન્ડિયન ગ્રાન્ડ પ્રી અને મોટોજીપી ભારત જેવી મોટી ઇવેન્ટ્સની યજમાની કરી ચૂકેલા આ ટ્રેક પર આગામી ઑક્ટોબર 31 અને નવેમ્બર 1 ના રોજ એફ4 ઇન્ડિયન ચૅમ્પિયનશિપનો ચોથો રાઉન્ડ અને ઇન્ડિયન રેસિંગ લીગનો બીજો રાઉન્ડ રમાશે. આ શાનદાર સ્પર્ધાને લઈને સ્પીડ લવર્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ ટીમો પોતાની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે.
ચૅમ્પિયનશિપની વાત કરીએ તો, મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટ પર રમાયેલા ત્રીજા રાઉન્ડ બાદ ટાઇટલની રેસ અત્યંત રોમાંચક બની ગઈ છે. ગોવા એસીએસ જેએ રેસિંગના લુવિવે સામ્બુડલા 138 પોઈન્ટ સાથે ચૅમ્પિયનશિપમાં ટોચના સ્થાને છે અને તે પોતાના નજીકના હરીફ કરતા 21 પોઈન્ટની સરસાઈ ધરાવે છે. આ ઉપરાંત, કોલકાતા રોયલ ટાઇગર્સના એરોન મેહતાએ માત્ર 15 વર્ષ, 6 મહિના અને 6 દિવસની ઉંમરે ત્રીજી રેસ જીતીને ઇન્ડિયન એફ4 ઇતિહાસમાં સૌથી યુવા વિજેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. સ્પીડ ડેમન્સ દિલ્હીના ન્તિયાસો માબુંદાએ પણ શાનદાર પ્રદર્શન કરીને ત્રણેય રેસમાં બીજું સ્થાન મેળવ્યું હતું.
આગામી નોઈડાના રાઉન્ડમાં પોઈન્ટ ટેબલની સ્થિતિ સંપૂર્ણપણે બદલાય તેવી પૂરી સંભાવના છે કારણ કે અગ્રણી ડ્રાઇવર્સ પોતાની લીડ મજબૂત કરવાના પ્રયાસમાં હશે જ્યારે અન્ય ખેલાડીઓ અંતર ઘટાડવા માટે પૂરી તાકાત લગાવશે. એફ4 ચૅમ્પિયનશિપની સાથે ઇન્ડિયન રેસિંગ લીગની ગાડી પણ પાટા પર આવી ગઈ છે અને 2026 ની આ સિઝન જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધતો જાય છે. આ મહામુકાબલો ટાઇટલ રેસનું ચિત્ર સ્પષ્ટ કરવામાં ખૂબ જ નિર્ણાયક સાબિત થશે, જેના પર દેશભરના મોટર સ્પોર્ટ્સ ફેન્સની નજર રહેશે.
