બુધવારે ભારતના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ અને યુએસ વોર સેક્રેટરી પીટ હેગસેથે ફિલિપાઈન્સના સેબુ ખાતે એશિયાન સમૂહ અને તેના ડાયલોગ પાર્ટનર્સની મીટિંગ દરમિયાન મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને યુએસ વચ્ચેના 10 વર્ષના વ્યાપક ડિફેન્સ ફ્રેમવર્ક પેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ક્રિટિકલ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન શેરિંગ અને મિલિટરી હાર્ડવેરના કો-પ્રોડક્શનમાં વ્યૂહાત્મક સહયોગ વધારવાનો છે. આ ઉપરાંત, બંને દિગ્ગજ નેતાઓએ ઇન્ડો-પેસિફિક રીજનની સુરક્ષા સ્થિતિ અને ઝડપથી બદલાતી સુરક્ષા ગતિશીલતા પર પણ ચર્ચા કરી હતી.
બંને દેશોએ ગયા વર્ષે ઓક્ટોબરમાં આ ડિફેન્સ ફ્રેમવર્ક પેક્ટ પર સહી કરી હતી, જે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટેનો એક મહત્વાકાંક્ષી રોડમેપ પૂરો પાડે છે. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ તેમની મુખ્ય ડિફેન્સ પાર્ટનરશિપના ફ્રેમવર્કની પહેલી વર્ષગાંઠ પણ ઉજવી હતી. આ અગાઉ વર્ષો દરમિયાન ભારત અને યુએસ વચ્ચે LEMOA (2016), COMCASA (2018) અને BECA (2020) જેવા મહત્વના સિક્યુરિટી પેક્ટ થઈ ચૂક્યા છે, જે બંને મિલિટરીઝ વચ્ચે હાઇ-એન્ડ ટેકનોલોજી શેરિંગ અને બેઝના પરસ્પર ઉપયોગમાં મદદરૂપ સાબિત થયા છે.
સોશિયલ મીડિયા પર આ બેઠકને અત્યંત સકારાત્મક ગણાવતા ડિફેન્સ મિનિસ્ટરે જણાવ્યું હતું કે આ મજબૂત ભાગીદારી મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક રીજન માટેનો પાયો છે. આ બેઠક ઉપરાંત રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રિચાર્ડ માર્લેસ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં દ્વિપક્ષીય ડિફેન્સ કોઓપરેશન અને મિલિટરી ઇન્ટરઓપરેબિલિટી વધારવા અંગે સાર્થક ચર્ચાઓ થઈ હતી. આ પગલાંઓથી આગામી સમયમાં વૈશ્વિક સ્તરે ભારતની સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.
