JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગરના ઢીંચડા રીંગરોડ પર ઘર બહાર બેઠેલા મહિલાના ગળામાંથી 70 હજારનો સોનાનો ચેઈન ઝૂંટવાયો

Oct 27, 2026 | 05:05 | By JAMNAGAR MIRROR
જામનગરના ઢીંચડા રીંગરોડ પર ઘર બહાર બેઠેલા મહિલાના ગળામાંથી 70 હજારનો સોનાનો ચેઈન ઝૂંટવાયો
જામનગરના ઢીંચડા રીંગરોડ વિસ્તારમાં શનિવારે રાત્રે ઘરની બહાર ખુરશી પર બેસેલા 45 વર્ષના મહિલાને નિશાન બનાવી બે શખ્સો સોનાના ચેઈનનો કટકો ઝૂંટવીને બાઈક પર ભાગી છૂટ્યા હતા. આ મામલે પોલીસે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ઢીંચડા રીંગરોડ પર આવેલા તિરૂપતિ પાર્ક-૧માં શનિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઘરની બહાર આરામથી બેસેલા એક મહિલાને ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તિરૂપતિ પાર્ક-૧માં વિશાલ કોમ્પલેક્ષ સામે રહેતા મમતાબેન અરવિંદભાઈ નામના 45 વર્ષના પરપ્રાંતીય મહિલા શનિવારે રાત્રે પોણા નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરની બહાર ખુરશી નાખીને બેઠા હતા. તે સમયે અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે અને સ્થાનિક રહીશોમાં સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

ઘટનાની વિગતો મુજબ, મમતાબેન ઘર બહાર બેઠા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ચાલીને ત્યાં આવ્યો હતો અને તેનો સાગરિત કાળા રંગના મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યો હતો. ચાલીને આવેલા શખ્સે અચાનક જ મમતાબેનના ગળા પર હુમલો કરી સોનાનો ચેઈન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન સોનાનો ચેઈન તૂટી ગયો હતો, જેમાંથી 7 ગ્રામ વજનનો અને આશરે રૂ।.70 હજારની કિંમતનો ચેઈનનો કટકો હાથ લાગતા જ તે શખ્સે ત્યાંથી દોટ મૂકી હતી. ત્યારબાદ મોટરસાયકલ પર તૈયાર બેસેલા પોતાના સાગરિતની પાછળ બેસીને બંને લૂંટારૂઓ અંધારાનો લાભ લઈને પલાયન થઈ ગયા હતા.

આ બનાવ બન્યા બાદ ગભરાયેલા મમતાબેને તાત્કાલિક પોતાના પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ ગઇકાલે બપોરે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જઈને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટના સ્થળ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે અને ભાગી છૂટેલા બંને શખ્સોના સગડ દબાવીને તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

LATEST ARTICLES