JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

એઆઈ જાયન્ટ કંપની Anthropic નો લાવી રહી છે હિસ્ટ્રીનો સૌથી મોટો IPO

Oct 27, 2026 | 05:35 | By JAMNAGAR MIRROR
એઆઈ જાયન્ટ કંપની Anthropic નો લાવી રહી છે હિસ્ટ્રીનો સૌથી મોટો IPO
સેન ફ્રાન્સિસ્કોની એઆઈ કંપની Anthropic એ આગામી મહિને વોલ સ્ટ્રીટ પર લિસ્ટિંગ માટે પેપર્સ ફાઇલ કરી દીધા છે. આ IPO દ્વારા કંપની રેકોર્ડબ્રેક ફંડ ભેગું કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે ખુદ કંપનીના ટોપ બોસે અગાઉ એઆઈના ખતરા સામે ચેતવણી પણ આપી હતી.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની Anthropic એ સોમવારે એક એવા આઈપીઓ માટે સત્તાવાર કાગળો ફાઇલ કર્યા છે, જે ટેક વર્લ્ડના ઇતિહાસનો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. સેન ફ્રાન્સિસ્કોની આ કંપની આગામી મહિને વોલ સ્ટ્રીટ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે, જે આ વર્ષના જૂન મહિનામાં આવેલા SpaceX ના રેકોર્ડબ્રેક 86 અબજ ડોલરના IPO ને પણ પાછળ છોડી શકે છે. આ મોટી મૂવ સાથે જ એઆઈ સેક્ટરમાં હરીફ ગણાતી ઓપનએઆઈ કરતા પણ Anthropic પબ્લિક થવામાં બાજી મારી જશે તેવી પૂરી સંભાવના છે.

આ ફાઇલિંગના થોડા અઠવાડિયા પહેલા જ કંપનીના સીઈઓ ડારિયો અમોડેઈએ એક નિબંધમાં સૌથી એડવાન્સ એઆઈ મોડેલ્સના વિકાસને થોડું ધીમુ પાડવાની હિમાયત કરી હતી, છતાં આ IPO આવવાથી કંપનીને પોતાના વિસ્તરણ માટે જંગી રિસોર્સિસ મળી રહેશે. હાલમાં આ ફંડરેઝિંગ અને કંપનીના વેલ્યુએશનના આંકડા ફાઇનલ નથી થયા, પરંતુ અંદાજ મુજબ આ માત્ર 5 વર્ષ જૂની સ્ટાર્ટઅપ કંપનીને દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં મૂકી દેશે અને સીઈઓ ડારિયો તથા તેમની બહેન અને કો-ફાઉન્ડર ડાનિેલાની સંપત્તિમાં અબજો ડોલરનો વધારો કરી દેશે. 335 પાનાંના આ દસ્તાવેજ મુજબ કંપનીની કમાણી ખૂબ ઝડપથી વધી રહી છે, પરંતુ ચેટબોટ Claude બનાવનાર આ કંપનીએ વર્ષ 2026 ના પહેલા હાફમાં 80.7 અબજ ડોલરનું નેટ લોસ પણ નોંધાવ્યું છે, જે ગયા વર્ષના સમાનગાળામાં 13 અબજ ડોલર હતું.

આટલું મોટું નુકસાન હોવા છતાં ખાનગી ઇન્વેસ્ટરો દ્વારા આ વર્ષની શરૂઆતમાં 965 અબજ ડોલર આંકવામાં આવેલી Anthropic ની વેલ્યુ વધીને 1.5 ટ્રિલિયન ડોલર કે કદાચ 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, જે તેને ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીઓની હરોળમાં લાવા માટે પૂરતી છે. રિપોર્ટ્સ મુજબ આ IPO થી કંપની 100 અબજ ડોલર જેટલું જંગી ભંડોળ ભેગું કરી શકે છે, જે SpaceX નો રેકોર્ડ તોડી નાખશે. જોકે, કંપનીએ આ ફાઇલિંગમાં ખુદ સ્વીકાર્યું છે કે જો એઆઈ ટેકનોલોજી પર પૂરતું નિયંત્રણ અને સેફગાર્ડ્સ ન રાખવામાં આવે, તો તે માનવજાત માટે ગંભીર જોખમ કે અસ્તિત્વ માટે ખતરો પણ બની શકે છે.

LATEST ARTICLES