જામનગરના ઢીંચડા રીંગરોડ પર આવેલા તિરૂપતિ પાર્ક-૧માં બનેલી એક ઘટનાએ વિસ્તારના રહીશોમાં ડરનો માહોલ પેદા કરી દીધો છે. શનિવારે રાત્રે આ વિસ્તારમાં રહેતા એક મહિલા પોતાના ઘરની બહાર આરામથી બેઠા હતા, ત્યારે અચાનક જ બે અજાણ્યા શખ્સોએ તેમની પર નજર બગાડીને ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રીના સમયે બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે અને પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ ઉઠી રહી છે.
આ બનાવની વિગત મુજબ, તિરૂપતિ પાર્ક-૧માં વિશાલ કોમ્પલેક્ષ સામે રહેતા મમતાબેન અરવિંદભાઈ (ઉ.વ.45) શનિવારે રાત્રે પોણા નવેક વાગ્યે પોતાના ઘરની બહાર ખુરશી નાખીને બેઠા હતા. આ સમયે એક શખ્સ ત્યાંથી ચાલીને પસાર થયો હતો અને તેનો સાગરીત કાળા રંગના મોટરસાયકલ સાથે થોડે દૂર તૈયાર હતો. ચાલીને આવેલા શખ્સે અચાનક જ મમતાબેનના ગળા પર હાથ નાખીને સોનાનો ચેઈન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપીમાં ચેઈન તૂટી ગયો હતો અને તેમાંથી 7 ગ્રામ વજનનો અંદાજે 70 હજાર રૂપિયાની કિંમતનો સોનાના ચેઈનનો કટકો પેલો શખ્સ હાથમાં લઈને ભાગ્યો હતો અને બાઈક પર બેસીને બંને ફરાર થઈ ગયા હતા.
બનાવ બાદ ગભરાઈ ગયેલા મમતાબેને તરત પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી અને સમગ્ર મામલે ગઈકાલે બપોરે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. પોલીસે આ બંને લૂંટારૂઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ પોલીસ પકડમાં હશે તેમી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
