એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભારતના પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના નિકાસની કમાણીમાં જોરદાર વધારો નોંધાયો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટ્રીના ડેટા મુજબ, આ સમયગાળામાં રૂપિયાની દ્રષ્ટિએ નિકાસની કમાણી લગભગ 50 ટકા વધીને 2.59 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્યુઅલના ભાવ આસમાને પહોંચવા અને ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણે નિકાસનું વોલ્યુમ 16 ટકા ઘટવા છતાં ભારતની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ડોલરના હિસસાબથી જોવામાં આવે તો પણ કમાણીમાં આશરે 40 ટકાનો વધારો થયો છે, જે વૈશ્વિક સ્તરે વધેલા તેલના ભાવો તરફ ઈશારો કરે છે. આ છ મહિનામાં ડીઝલ અને પેટ્રોલના સરેરાશ વૈશ્વિક ભાવ અનુક્રમે 83 ટકા અને 54 ટકા વધી ગયા હતા.
આ કમાણી વધવા પાછળ રૂપિયાનું અવમૂલ્યન પણ મોટું કારણ રહ્યું છે, કારણ કે એપ્રિલ-સપ્ટેમ્બરમાં ડોલર સામે રૂપિયો નબળો પડીને સરેરાશ 95.17 પર પહોંચ્યો હતો, જે અગાઉના વર્ષે 86.44 હતો. આ સમગ્ર કમાણીમાં સૌથી મોટો ફાળો ડીઝલનો રહ્યો છે, જેની નિકાસ કમાણી વોલ્યુમમાં 19 ટકા ઘટાડો હોવા છતાં રૂપિયાની દ્રષ્ટિએ 58 ટકા વધીને આશરે 1.2 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે ડીઝલના સરેરાશ ભાવ વધીને 151 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા હતા. બીજી તરફ, પેટ્રોલની નિકાસ કમાણી પણ વોલ્યુમમાં 24 ટકા ઘટાડા છતાં 21 ટકા વધીને 58,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે, અને તેના સરેરાશ ભાવ 120 ડોલર પ્રતિ બેરલ રહ્યા હતા. માત્ર ડીઝલ અને પેટ્રોલ મળીને જ ભારતની કુલ પેટ્રોલિયમ નિકાસ કમાણીનો આશરે 70 ટકા હિસ્સો બનાવ્યો છે.
બીજી બાજુ, દેશમાં સ્થાનિક માંગ સતત મજબૂત રહેવા અને ઉત્પાદન સ્થિર રહેવાને કારણે નિકાસના વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો છે. આ છ મહિનામાં ડીઝલ અને પેટ્રોલની સ્થાનિક કન્ઝમ્પ્શન અનુક્રમે 5 ટકા અને 7 ટકા વધી હતી, જ્યારે પ્રોડક્શનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે રિફાઇનર્સ પાસે વિદેશમાં વેચવા માટે ઓછું ફ્યુઅલ બચ્યું હતું. ભારતની કુલ ફ્યુઅલ નિકાસમાં એકાંતરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો આશરે 70 ટકા જેટલો છે, જ્યારે બાકીની સપ્લાય નાયારા એનર્જી, MRPL અને અન્ય રિફાઇનર્સ દ્વારા કરવામાં આવે છે. ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો અને વિદેશી capital outflows ના કારણે રૂપિયા પર દબાણ યથાવત રહ્યું છે, કારણ કે દેશની જરૂરિયાતના આશરે 90 ટકા ક્રૂડની આયાત કરવી પડે છે.
