JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ટાટા ગ્રૂપમાં ફરી ગરમાવો, નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનની ફરી નિમણૂક સામે ઉઠાવ્યા સવાલો

Oct 27, 2026 | 05:45 | By JAMNAGAR MIRROR
ટાટા ગ્રૂપમાં ફરી ગરમાવો, નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનની ફરી નિમણૂક સામે ઉઠાવ્યા સવાલો
ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન ચંદ્રશેખરનના 5 વર્ષના કાર્યકાળના વિવાદને ફરી હવા આપી છે. તેમણે બોર્ડની પ્રોસિજર્સ, વોટિંગ અને સંભવિત હિતોના ટકરાવ મુદ્દે 26 ઓક્ટોબરના રોજ એક પત્ર લખીને સવાલો ઉઠાવ્યા છે.

ટાટા ગ્રૂપની અંદર ખાને ફરી એકવાર મોટો વિવાદ શરૂ થયો છે, જેમાં ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ટાટા સન્સના બોર્ડ દ્વારા એન ચંદ્રશેખરનને ફરીથી એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે 5 વર્ષ માટે નિયુક્ત કરવાના નિર્ણય સામે ગંભીર વાંધા ઉઠાવ્યા છે. નોએલ ટાટાએ 26 ઓક્ટોબરના રોજ લખેલા પત્રમાં બોર્ડની કામગીરીની પદ્ધતિ, વોટિંગની આવશ્યકતાઓ અને હિતોના ટકરાવ (કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ) અંગે પ્રશ્નો કર્યા છે. તેમનો મુખ્ય વિવાદ 17 સપ્ટેમ્બરના રોજ મળેલી બોર્ડ મીટિંગ અને તેમાં લેવાયેલા નિર્ણયોની પ્રક્રિયા સામે છે, જે અગાઉ 30 સપ્ટેમ્બર અને 8 ઓક્ટોબરના પત્રો દ્વારા પણ રજૂ કરવામાં આવ્યો હતો.

આ વિવાદનું મુખ્ય કારણ એ છે કે નોએલ ટાટાના વિરોધ છતાં બોર્ડે ચંદ્રશેખરનની ફરીથી નિમણૂક કરી છે અને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીમાં ફાઇલિંગ પણ કરી દીધી છે. નોએલ ટાટાએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે, ટાટા સન્સના ડિરેક્ટર અને ટાટા ટ્રસ્ટ્સના વાઇસ ચેરમેન વેણુ શ્રીનિવાસન અને એન ચંદ્રશેખરન વચ્ચે બિઝનેસના સંબંધોને કારણે હિતોનો ટકરાવ થાય છે, તેમ છતાં શ્રીનિવાસને આ ચર્ચા અને વોટિંગમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, વેણુ શ્રીનિવાસનની પત્ની અને પુત્ર દ્વારા નિયંત્રિત કંપની હanno વેરહાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડના ટીવીએસ મોટર સાથેના વ્યવહારો અંગે પણ ડિસ્ક્લોઝર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. નોએલ ટાટાએ આર્ટિકલ 118 મુજબ સિલેક્શન કમિટીની રચના ન થયાનું અને જરૂરી એપ્રૂવલ ન મળ્યાનું પણ જણાવ્યું છે.

નોએલ ટાટાએ કંપની સેક્રેટરી સુપ્રકાશ મુખ્હોપાાધ્યાયને પત્ર મોકલીને 17 સપ્ટેમ્બરની મીટિંગના ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ્સ, ફાઇનલ મિનિટ્સ, વોટિંગ રેકોર્ડ્સ અને અન્ય દસ્તાવેજો 7 દિવસમાં માંગ્યા છે. તેમણે એવી પણ માંગ કરી છે કે આ રેકોર્ડ્સ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને આ રેઝોલ્યુશનની વૈધતા પર વિવાદ હોવાની નોટિસ આપવી જોઈએ અને આગળની કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. હવે આ મામલે ટાટા સન્સની ઓડિટ કમિટી પત્ર પર વિચારણા કરે તેવી શક્યતા છે, અને ટાટા ગ્રૂપમાં કોર્પોરેટ ગવર્નન્સનો આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ગરમાઈ શકે છે.

LATEST ARTICLES