નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસની અત્યંત ખરાબ અને બેદરકારીભરી તપાસ પદ્ધતિ સામે આકરા પ્રહારો કર્યા છે. કોર્ટના જણાવ્યા મુજબ અપહરણ અને મર્ડરના એક કેસમાં કોઈ જ પુરાવા ન હોવા છતાં એક નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે ફસાવીને 6 વર્ષ સુધી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ મા A સુનાવણી કરતા સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું હતું કે તપાસ એજન્સીઓ માત્ર કોઈક રીતે કેસ જીતવા કે સજા અપાવવા માટે નથી હોતી, પરંતુ ન્યાય અપાવવા માટેની જવાબદાર કડી છે. આ કેસમાં એફઆઈઆરમાં નામ ન હોવા છતાં માત્ર સીસીટીવી ફુટેજના આધારે યુવકને આરોપી બનાવી દેવાયો હતો, જે પોલીસની ગંભીર ક્ષતિ દર્શાવે છે.
કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ એક ક્લાસિક ઉદાહરણ છે કે કોઈ પણ કેસમાં તપાસ કઈ રીતે ન થવી જોઈએ. માત્ર કલ્પનાઓ અને અંદાજોના આધારે ઊભી કરાયેલી વાર્તાના કારણે એક નાગરિકના જીવનના મહત્ત્વના 6 વર્ષ બરબાદ થઈ ગયા. ન્યાયાલયે એ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર પોતાના નાગરિકોની રક્ષા કરવાની જવાબદારીમાંથી મોં ન ફેરવી શકે, કારણ કે કાયદો તો આરોપીને પણ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ માને છે. અદાલતે આકરી ટિપ્પણી કરતા એમ પણ ઉમેર્યું હતું કે જો રાજ્યની પોલીસ કોઈ એજન્ડા સાથે કે ઢાંકપિછોડો કરીને કામ કરતી રહેશે, તો ક્રિમિનલ કેસોની તપાસ સીબીઆઈને સોંપવી વધુ સારું રહેશે.
આ સમગ્ર મામલે આખરે કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો છે કે તે ભોગ બનનાર યુવકને 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવે. સાથે જ સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને કડક સૂચના આપી છે કે તેઓ પોતાના પોલીસ અધિકારીઓને યોગ્ય તપાસ કરવાની પદ્ધતિ વિશે પ્રશિક્ષિત કરે અને શિક્ષિત કરે. કોર્ટના આ ફેસલાથી પોલીસ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ખડા થયા છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે કડક સંદેશો આપવામાં આવ્યો છે.
