JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

દેશભરમાં SIR અંગેનો નિર્ણય એકમતે જ લેવાયો હતો, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું

Oct 27, 2026 | 04:55 | By JAMNAGAR MIRROR
દેશભરમાં SIR અંગેનો નિર્ણય એકમતે જ લેવાયો હતો, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે દેશભરમાં મતદાર યાદીના SIR કરવાનો નિર્ણય કોઈ એક વ્યક્તિગત આદેશથી નહીં, પરંતુ ચીફ ઇલેક્શન કમિશનર અને બંને ઇલેક્શન કમિશનર્સ દ્વારા 24 June, 2025ના રોજ સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓના તમામ આક્ષેપોને પંચે ફગાવી દીધા છે.

દેશમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વનું સોગંદનામું દાખલ કર્યું છે. ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ભાનુ પ્રકાશ યેતુરુ દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર અને બંને ઇલેક્શન કમિશનર્સ એસ. એસ. સંધુ તથા વિવેક જોશી દ્વારા ગત 24 June, 2025ના રોજ દેશવ્યાપી SIR કરવાનો નિર્ણય એકમતથી લેવાયો હતો અને આ મામલે કોઈ મતભેદ નહોતા. વિપક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સરકારના ઇશારે ચીફ ઇલેક્શન કમિશનરે એકતરફી નિર્ણય લીધો છે, જેને પંચે પાયાવિહોણો ગણાવ્યો છે.

આ મામલો રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓના જવાબમાં સામે આવ્યો છે, જેમાં મીડિયા રિપોર્ટ્સને આધારે પંચની અંદરના મતભેદોના આક્ષેપો કરાયા હતા. ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું કે બે ઇલેક્શન કમિશનર્સ દ્વારા કેબિનેટ સેક્રેટરીને લખવામાં આવેલા પત્રો માત્ર આંતરિક વહીવટી બાબતો અને એક અધિકારીના કામકાજ અંગેના હતા, જેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. પંચે એમ પણ સ્પષ્ટ કર્યું કે કાયદાકીય જોગવાઈઓ હેઠળ ફોર્મ 6માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ માત્ર એક ઘોષણાપત્ર જોડવામાં આવ્યું છે જેથી મતદારોને ડોક્યુમેન્ટ્સ જમા કરાવવામાં સરળતા રહે.

સોગંદનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પંચની બેઠકોમાં ચર્ચા દરમિયાન અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે, પરંતુ અંતિમ નિર્ણયો હંમેશા કાયદા અનુસાર જ લેવામાં આવે છે. ગોવામા 97 મતદારોના નામ કમી થવાના વિવાદ પર પંચે સ્પષ્ટતા કરી કે તપાસ કરતાં તેમાંથી મોટાભાગના લોકોએ ફોર્મ ભરી દીધું હતું અથવા તેઓ વિદેશમાં રહેતા હતા. પંચે ખાતરી આપી છે કે SIR પ્રક્રિયા દરમિયાન BLO ઘર-ઘર જઈને દસ્તાવેજો એકત્ર કરશે અને કોઈ પણ પાત્ર મતદાર યાદીમાંથી વંચિત રહેશે નહીં.

LATEST ARTICLES