વેસ્ટ યોર્કશાયરના એક સામાન્ય કાર-બૂટ સેલમાંથી ક્યારેક ચમત્કાર પણ થઈ શકે છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક વ્યક્તિએ માત્ર 25 પાઉન્ડ ખર્ચીને જૂના મેડલ્સનું એક બોક્સ ખરીદ્યું હતું. આ બોક્સની અંદર કુલ 22 જૂના મેડલ્સ હતા, જેમાંથી એક મેડલ બ્રિટિશ સંશોધક કેપ્ટન જેમ્સ કૂકના સ્મરણાર્થે બનાવવામાં આવેલી અત્યંત દુર્લભ 18મી સદીની કલાકૃતિ નીકળી. આ ખરીદી કરનાર સામાન્ય માણસને કલ્પના પણ નહોતી કે તેણે જે કિંમતમાં આખો સંગ્રહ ખરીદ્યો છે, તેનાથી કેટલાય ગણો વધુ કિંમતી ખજાનો તેના હાથ લાગ્યો છે.
આ બોક્સ ખરીદ્યા બાદ જ્યારે તે વ્યક્તિએ તેની છાણબીણ કરી, ત્યારે તેને કેપ્ટન જેમ્સ કૂકવાળો મેડલ કંઈક ખાસ લાગ્યો હતો. તેણે આ બોક્સના બાકીના અન્ય મેડલ્સ 500 પાઉન્ડમાં વેચી દીધા હતા, જેથી તેનું રોકાણ તો વળગી ગયું પણ અસલી સરપ્રાઈઝ હજી બાકી હતું. તે આ ખાસ મેડલને ટેનેન્ટ્સ ઓક્શનેટર્સ પાસે લઈને પહોંચ્યો, જ્યાં નિષ્ણાતોએ તપાસ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો કે આ મેડલ 1779માં કેપ્ટન કૂકના અવસાન બાદ બનાવવામાં આવેલો દુર્લભ બ્રોન્ઝનો મેડલ છે. વિશ્વભરમાં આવા મેડલ્સ ભાગ્યે જ જોવા મળે છે અને અગાઉ માત્ર લંડનના નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ અને સિડનીના પાવરહાઉસ કલેક્શનમાં જ તેના બે નમૂના નોંધાયેલા હતા.
આ દુર્લભ મેડલની ગ ગત 6 મેના રોજ હરાજી કરવામાં આવી હતી અને તે અપેક્ષા કરતા પણ વધુ કિંમતે એટલે કે 5,000 પાઉન્ડમાં વેચાયો હતો. આ મેડલને વ્હીટબી સ્થિત કેપ્ટન કૂક મેમોરિયલ મ્યુઝિયમે ખરીદી લીધો છે, જે આગામી 2028માં કેપ્ટન કૂકના જન્મની 300મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર ખાસ પ્રદર્શનમાં આ મેડલ પ્રદર્શિત કરશે. આ ઐતિહાસિક ચીજવસ્તુ તે જ બિલ્ડિંગમાં પ્રદર્શિત થશે જ્યાં યુવા અવસ્થામાં કેપ્ટન કૂક એપ્રેન્ટિસ તરીકે રહેતા હતા, જે આખી ઘટનાને એક અદ્ભુત સંયોગ બનાવે છે.
